લંડનઃ કોરોના મહામારી સંદર્ભે લોકડાઉન હળવું કરાયા સાથે બ્રિટનમાં ૧ જૂનથી નર્સરીઝ અને પ્રાઈમરી શાળાઓ ખોલવાની જાહેરાત કરી છે ત્યારથી વિવાદનો વંટોળ જાગ્યો છે. યુનિયનોએ શાળા ખોલવા સામે વિરોધ દર્શાવ્યો છે ત્યારે એક પ્રશ્ન એ થાય કે યુરોપના ડેનમાર્ક, જર્મની, ફ્રાન્સ, સ્વીડન સહિત મોટા ભાગના દેશોમાં શાળા ખોલી દેવાઈ છે ત્યારે બ્રિટનમાં શા માટે વિરોધ થાય છે? આ દેશોમાં સ્પેન અને ઈટાલીમાં શાળાઓ સપ્ટેમ્બર સુધી બંધ રહેવાની છે. આયર્લેન્ડમાં પણ શાળાઓ સપ્ટેમ્બરમાં ખુલી શકે છે પરંતુ, નર્સરીઝ જૂનમાં ખોલાવાની શક્યતા છે.
આ સાથે શાળાઓ ખોલવા બાબતે અન્ય દેશોની સ્થિતિ દર્શાવાઈ છેઃ
• ડેનમાર્કઃ પ્રાઈમરી સ્કૂલ્સ અનેનર્સરીઝ એક મહિના પહેલા ફરી ખુલી ગઈ છે અને સંક્રમણનો દર પણ ધીમો પડ્યો છે. બાળકોને ઓછામાં ઓછાં શારીરિક સંપર્ક સાથે ૧૦-૧૨ના નાના ગ્રૂપમાં રખાય છે. બાળકોનાં આવવાના, લંચના સમય અલગ છે. તેઓ બે મીટરના અંતરે અલગ ડેસ્ક પર બેસે છે પાણીની બોટલ્સ કે સ્ટેશનરી એકબીજાને આપતાં નથી.
• જર્મનીઃ આ મહિને મોટા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ્સ ખુલી છે અને નાના ધોરણના બાળકો સમર ટર્મમાં આવવા લાગશે. ફાઈનલ યરના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને સેનેટાઈઝરના ઉપયોગ પછી બે મીટરના અંતરે બેસાડાયા હતા. ટીનેજર્સને દર ચાર દિવસે રોગ માટે ટેસ્ટિંગ કરાય છે.
• ફ્રાન્સઃ નર્સરી અને પ્રાઈમરીઝ શરુ કરી દેવી છે અને સેકન્ડરી સ્કૂલ્સ તબક્કાવાર ખોલાશે. ૧૧-૧૫ વયજૂથના બાળકોને માસ્ક પહેરવાનો રહે છે. ક્લાસમાં મહત્તમ સંખ્યા ૧૫ વિદ્યાર્થીની રખાઈ છે.
• સ્વીડનઃ રોગચાળાના ગાળામાં પણ ૧૬ વર્ષથી ઓછી વયના બાળકો માટે શાળા કુલ્લી રખી હતી. મોટા તરુણો માટે શાળા અને કોલેજો બંધ હતી. શાળાના પ્રીમાઈસીસ દિવસમાં એક વખત સાફ થાય છે. બાળકોને એકત્ર થવા પર નિયંત્રણ, લંચબ્રેકમાં અલગ સમય તેમજ ડેસ્ક વચ્ચે અંતર રખાય છે.
• ફિનલેન્ડઃ સોશિયલ ડિસ્ટન્સિંગ અને હેન્ડ વોસિંગના કડક નિયમો સાથે શાળાઓ શરુ કરાઈ છે. બાળકોને પૂરતી મોકળાશ મળે તે માટે વપરાશ વિનાની જગાઓને ક્લાસીસમાં ફેરવી દેવાઈ છે. આવવાના સમય અલગ કરી દેવાયા છે.
• નોર્વેઃ એપ્રિલમાં નર્સરીઝ અને પ્રાઈમરી શાળાઓ ખુલી છે. હેલ્થ નિષ્ણાતોએ ઈન્ફેક્શન દર વધ્યા નહિ હોવાનું જણાવ્યું છે. બાળકોને ઓછામાં ઓછાં શારીરિક સંપર્ક સાથે નાના ગ્રૂપમાં રખાય છે. અન્ય શાળાઓ અને કોલેજો પણ ખોલી દેવાઈ છે.
• સ્વિટ્ઝર્લેન્ડઃ સોમવારથી પ્રાઈમરી સ્કૂલ્સ ખોલવા પરવાનગી અપાઈ છે. ઈન્ફેક્શન દર વધ્યા નહિ હોય તો સેકન્ડરી સ્કૂલ્સ અને કોલેજો આગામી મહિનાથી ખોલી દેવાશે.
• નેધરલેન્ડ્ઝઃ નર્સરીઝ, લાઈબ્રેરીઝ, હેરડ્રેસર્સ અને બ્યૂટી સલૂન્સની સાથોસાથ પ્રાઈમરી સ્કૂલ્સ પણ આંશિક રીતે ખોલાઈ છે.