લંડનઃ હાલ તો પાર્કિન્સન્સ ડિસીઝના નિદાન માટે કોઈ નિર્ણાયક ટેસ્ટ નથી પરંતુ, જોય મિલ્નેની વાત અલગ છે. તેઓ લોકોના ટી-શર્ટ સુંઘીને જ પાર્કિન્સન્સનું નિદાન કરી જાણે છે. હવે જોય કેન્સર, અલ્ઝાઈમર્સ અને ટ્યુબરક્લોસિસ (ટીબી) સહિત અન્ય રોગોની ગંધ પણ પકડી શકે તેવી આશા રખાઈ રહી છે. જોય તેની આ વિશિષ્ટ શક્તિનો ઉપયોગ વિજ્ઞાનીઓ માટે પણ કરે છે. અન્ય લોકો જે ગંધ પકડી શકતા નથી તે જોયને પરખાઈ જાય છે જેનો યશ જાય છે તેમની અજાયબ ગંધપરખ ક્ષમતાને.
જોયના પતિ લેસ મિલ્નેને પાર્કિન્સન હોવાનું નિદાન કરાયું તે પહેલાં જ તેમને કન્સલ્ટન્ટ એનેથેસિસ્ટ પતિના શરીરમાંથી અલગ ગંધ આવતી હોવાનું જણાયું હતું. જોયે પહેલા તો પતિ લેસ બરાબર શાવર નહિ લેતા હોવાની ફરિયાદ કરી પરંતુ, સમયાંતરે આ ગંધ વધુ તીવ્ર થતી જણાઈ અને તેમનામાં થાક સહિત અન્ય ફેરફારો પણ દેખાયા હતા. જોયને પહેલા તો લેસને બ્રેઈન ટ્યુમર થયાની શંકા ગઈ હતી. આ પછી 44 વર્ષીય લેસને પાર્કિન્સન્સ નિદાન થયું અને જૂન 2015માં 65 વર્ષની વયે મોત થયું હતું.
પતિ લેસ મિલ્નેને નિદાન કરાયું તે પછી જોયે એડિનબરા યુનિવર્સિટીના ડો. ટિલો કુનાથને લેસના શરીરની બદલાતી ગંધ વિશે જણાવ્યું હતું. ડો. કુનાથે પ્રોફેસર પેરડિટા એલિઝાબેથ બારાન સાથે મળીને જોય મિલ્નેની સુંઘવાની શક્તિની ચકાસણી કરી હતી. વિજ્ઞાનીઓને લાગ્યું હતું કે પાર્કિન્સન્સ રોગના કારણે ત્વચાના સેબમ તરીકે ઓળખાતા તૈલી પ્રવાહીમાં રાસાયણિક ફેરફારના કારણે આવી ગંધ આવવાની શક્યતા છે.
તબીબી નિષ્ણાતોએ શરૂઆતમાં મિસિસ મિલ્નેને પાર્કિન્સન્સના રોગીઓ અને તંદુરસ્ત લોકોએ પહેરેલા ટી-શર્ટ્સ સુંઘવા આપ્યા હતા. મિસિસ મિલ્નેએ ગંધ પારખી પાર્કિન્સન્સના રોગીઓના ટી-શર્ટ્સ અલગ તારવ્યાં હતાં. એક વ્યક્તિને આ રોગ ન હતો પરંતુ, તેના ટી-શર્ટમાંથી પણ જોય મિલ્નેને ચોક્કસ વાસ આવી હતી અને આઠ મહિના પછી તે વ્યક્તિને રોગનું નિદાન કરવામાં આવ્યું હતું.
જોય હાઈપરસોમ્નિઆ નામે દુર્લભ વારસાગત સ્થિતિ ધરાવે છે જેનાથી તેની ઘ્રાણેન્દ્રિય અતિ નહિવત્ હોવાં છતાં તીવ્ર વાસ તરીકેની પરખ કરી શકે છે.
જોય કહે છે કે તેના દાદી અને બે બહેનો પણ આવી શક્તિ ધરાવતા હતા. જોય કહે છે કે લોકોના પરફ્યુમ્સની તીવ્ર ગંધના કારણે તેમણે ઘણા વહેલાં અથવા તો ઘણા મોડાં શોપિંગ કરવા જવું પડે છે.
તેઓ સુપરમાર્કેટમાં કેમિકલની રેક પાસે જઈ શકતાં નથી. ઘણી વખત સુપરમાર્કેટ અથવા શેરીમાં ચાલતી વેળાએ તેમને પાર્કિન્સન્સ ધરાવતા લોકોની ગંધ પરખાય છે પરંતુ, લોકોને તેના વિશે નહિ જણાવવા મેડિકલ નૈતિકતાવાદીઓ દ્વારા મિલ્નેને જણાવાયું છે.
યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના વિદ્વાનોએ વિકસાવેલા સ્વેબ ટેસ્ટમાં પાર્કિન્સન્સના રોગીઓની ઓળખ તેમના ગરદનના પાછળના ભાગે સાદું કોટન બડ ફેરવીને કરાય છે. સંશોધકો ટેસ્ટ સેમ્પલનો ઉપયોગ રોગ સાથે સંકળાયેલા મોલેક્યુલ્સને ઓળખવામાં કરી શકે છે. જર્નલ ઓફ અમેરિકન કેમિકલ સોસાયટીમાં પ્રસિદ્ધ તારણો મુજબ માસ સ્પેક્ટ્રોમેટ્રી પદ્ધતિથી મોલેક્યુલ્સનું વજન થઈ શકે છે. આ તો સંશોધનનું પહેલું પગથિયું છે પરંતુ, NHS દ્વારા આ સરળ રીતનો ઉપયોગ થઈ શકે તે બાબતે ઉત્સાહ પણ છે.