કીવ, લંડનઃ અગાઉની સરખામણીએ રશિયાએ યુક્રેન પરના હુમલા ઓછા કર્યા છે અને રાજધાની કીવ સહિતના સ્થળોથી આર્મીને પાછા ખેંચવાની શરૂઆત કરી છે. આ સમયે અત્યંત મહત્ત્વના ઘટનાક્રમમાં બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાન કીવ પહોંચી પ્રમુખ વોલોડોમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના પગલે યુકેએ 120 આર્મર્ડ વ્હીકલ્સ યુક્રેનને મોકલી આપવા ખાતરી ઉચ્ચારી છે. આ ઉપરાંત, રશિયન આક્રમણનો સામનો કરવા નવી એન્ટિ-શિપ મિસાઈલ સિસ્ટમ પણ મોકલી અપાશે. જ્હોન્સન- ઝેલેન્સ્કી મંત્રણામાં લશ્કરી અને આર્થિક સહકારની ચર્ચા થઈ હતી. અગાઉ, યુકેએ એન્ટિ-ટેન્ક અને એન્ટિ-એરક્રાફ્ટ મિસાઈલ્સ સહિત 100 મિલિયન પાઉન્ડની લશ્કરી સહાયની જાહેરાત કરી હતી.
શનિવારની આ બેઠક પછી જ્હોન્સને જણાવ્યું હતું કે કીવના દરવાજેથી રશિયન દળોને પાછા હટાવી યુક્રેને 21મી સદીનું સૌથી મોટું લશ્કરી પરાક્રમ દર્શાવ્યું છે. પ્રમુખ ઝેલેન્સ્કીની મજબૂત નેતાગીરી અને યુક્રેનની પ્રજાની અદમ્ય બહાદુરીથી પુટિનના રાક્ષસી હેતુઓની પીછેહઠ થઈ છે.
ઝેલેન્સ્કીના સલાહકારે બોરિસ જ્હોન્સન સાથે મુલાકાતની તસવીરો ફેસબુક પર શેર કરીને લખ્યું કે બ્રિટિશ વડાપ્રધાન સાથે સીધી મુલાકાત યોજાઈ, બેઠકમાં બંને નેતાઓ એક મોટા રુમમાં આમને સામને બેઠેલા દેખાઈ રહ્યા છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઘેરા રંગનો સૂટ પહેર્યો છે. જ્યારે ઝેલેન્સ્કી સંપૂર્ણ રીતે ખાખી રંગના ડ્રેસમાં દેખાઈ રહ્યા છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ ઝેલેન્સ્કી મોટા ભાગે ખાખી રંગના ડ્રેસમાં દેખાઈ રહ્યા છે.
યુક્રેનની રાજધાની અને આસપાસના વિસ્તારોથી રશિયન સૈન્ય પાછળ ધકેલાઈ રહ્યું છે અને યુક્રેન દ્વારા મોટા પાયે શસ્ત્રસરંજામની માગણી કરાઈ છે. અગાઉ, યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વેન ડેર પણ કીવની મુલાકાતે ગયાં હતાં. આ સાથે યુરોપિયન દેશો દ્વારા યુક્રેનની સાથે એકજૂથ હોવાનો સંકેત અપાઈ રહ્યો છે. યુરોપના કેટલાક દેશ યુક્રેનની રાજધાની કીવમાં પોતાના દૂતાવાસ પુનઃ ખોલવાની યોજના બનાવી રહ્યા છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ આ મુલાકાતોની માહિતી આપી છે.
ઉલ્લેખનીય છે કે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ અને આસપાસના વિસ્તારો ખાલી કરી દીધા છે. હવે રશિયાએ પૂર્વ યુક્રેનના કેટલાક વિસ્તારોમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, યુક્રેનની આર્મી સતત અમેરિકા અને પશ્ચિમી દેશો પાસેથી હથિયારોની માંગ કરી રહી છે. ઝેલેન્સ્કીએ કહ્યું છે કે ફક્ત હથિયારો થકી જ યુક્રેનના લોકોને નરસંહારથી બચાવી શકાય એમ છે.