લંડનઃ ચોતરફથી ઘેરાયેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પ્રથમ લોકડાઉન દરમિયાન ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના ગાર્ડનમાં ૨૦ મે, ૨૦૨૦ના રોજ યોજાએલી ડ્રિન્ક પાર્ટીમાં હાજરી આપી હોવાનું કબૂલીને માફી માગી છે. વડા પ્રધાને કહ્યું હતું કે આ ખરેખર વર્ક ઈવેન્ટ હોવાનું તેઓ માનતા હતા અને પાર્ટીમાં હાજરી આપી તેઓ ફરી કામે ચડી ગયા હતા. જોકે, આ મુદ્દે રાજીનામું આપી દેવાની લેબરનેતા સર કેર સ્ટાર્મરની માગણીની તેમણે સદંતર ઉપેક્ષા જ કરી છે. સ્ટાર્મરે પ્રશ્નોત્તરી કાળમાં કોમન્સમાં જણાવ્યું હતું કે વડા પ્રધાને લોકડાઉન નિયમોનો ભંગ કરીને પાર્ટીમાં હાજરી આપી હતી અને તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. ગાર્ડન પાર્ટીમાં હાજરી મુદ્દે જ્હોન્સનની હાલત નાજૂક બની છે અને તેમનું રાજીનામું માગી રહેલા બળવાખોર સાંસદો જોરમાં આવી ગયા છે.
ગાર્ડન પાર્ટીમાં હાજરીનો મુદ્દો જ્હોન્સન માટે માથાના દુઃખાવારૂપ બન્યો છે. સાક્ષીઓના મતે જ્હોન્સન અને તેમની ફિઆન્સી કેરી સાયમન્ડસ ડાઉનિંગ સ્ટ્રીટના ૪૦ જેટલા અધિકારીઓ અને સલાહકારોની સાથે હળીમળી રહ્યા હતા અને લોકો વાઈન, જિન અને બિયરની રંગત માણી રહ્યા હતા. જોકે, આ ભોપાળું બહાર આવ્યા પછી પણ જ્હોન્સન ગાર્ડન પાર્ટી અને તેમાં પોતાની હાજરીનો સતત ઈનકાર કરતા રહ્યા હતા. જનતા અને ટોરી પાર્ટીના સાંસદોના ભારે દબાણના પગલે તેમણે કબૂલાત કરવાની ફરજ પડી હતી.
બળવાખોર ટોરી સાંસદો જોરમાં આવ્યા
જ્હોન્સનની હાલત હવે નાજૂક બની રહી છે. તેમને વડા પ્રધાનપદેથી હટાવવાનું અભિયાન ચલાવતા બળવાખોર ટોરી સાંસદો જોરમાં આવ્યા છે. એક રેડ વોલ સાંસદે જણાવ્યા મુજબ ટોરી પાર્ટીમાં જ્હોન્સનના વિરોધી નો કોન્ફિડન્સ વોટ માટે જરૂરી ૫૫ સહી સરળતાથી મેળવી શકશે. જેના આધારે બેકબેન્ચર્સની ૧૯૨૨ કમિટી મતદાન શરૂ કરાવી શકે.
જોકે, જ્હોન્સનવિરોધીઓ પૂરતું સમર્થન હાંસલ ન થાય ત્યાં સુધી આગળ વધવા માગતા નથી. લોકડાઉન દરમિયાન ગાર્ડન પાર્ટીમાં વડા પ્રધાનની હાજરી રાજીનામું આપી દેવું પડે તેવી ગંભીર બાબત છે. જોકે, જ્હોન્સન મચક આપી રહ્યા નથી. તેઓ પોતાની ભૂલ છાવરવા અધિકારીઓને આગળ ધરી દેશે તેમ મનાય છે.
બૂકમેકર્સના મતે સુનાક આગળ
એક બેટિંગ ફર્મના જણાવ્યા મુજબ જ્હોન્સન ૨૦૨૨માં પોતાનો કાર્યકાળ જાળવી શકે તેમ જણાતું નથી. જ્હોન્સનના સ્થાને નેતાગીરીની સ્પર્ધામાં ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસની સરખામણીએ ચાન્સેલર રિશિ સુનાક થોડા આગળ છે. ભાવિ વડા પ્રધાન તરીકે સુનાકનો સ્કોર ૯/૪ છે જ્યારે લિઝ ટ્રસનો સ્કોર ૨૨/૫ છે. ૨૦૧૯માં જ્હોન્સન સામે સ્પર્ધામાં પરાજિત સીનિયર બેકબેન્ચરને બૂકમેકર્સ ૧૧/૧નો સ્કોર આપી રહ્યા છે. માઈકલ ગોવનો સ્કોર ૧૬/૧નો મૂકાય છે.
બોરિસ જ્હોન્સનને પ્રોસિક્યૂટ કરી શકાય
મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું કે તેમને આ ઈવેન્ટ્ના રિપોર્ટ્સ મળ્યા છે અને તેઓ કેબિનેટ ઓફિસના સંપર્કમાં જ છે. દરમિયાન કોવિડ નિયમોના સ્પેશિયાલિસ્ટ હ્યુમન રાઈટ્સ બેરિસ્ટર એડમ વેગ્નરે જણાવ્યા અનુસાર નિયમોનો ભંગ કરનારી ડાઉનિંગ સ્ટ્રીટ પાર્ટીમાં જ્હોન્સને હાજરી આપી હોવાનું નિશ્ચિત થાય તો તેમની સામે ‘એસેસરી ટુ ક્રાઈમ’ના આધારે કાનૂની કાર્યવાહી થઈ શકે. લોકડાઉનના ગાળામાં મે ૨૦,૨૦૨૦ની ડાઉનિંગ સ્ટ્રીટ ગાર્ડન પાર્ટીમાં સ્ટાફના ૧૦૦થી વધુ સભ્યને આમંત્રણ અપાયું હતું જેમાં વડા પ્રધાન પણ સામેલ હતા. વડા પ્રધાનની પ્રાઈવેટ ઓફિસનો વહીવટ કરતા સિવિલ સર્વન્ટ માર્ટિન રેનોલ્ડ્સ દ્વારા આવો ઈમેઈલ મોકલાયો હતો. પાર્ટીમાં હાજર રહેલાઓના કહેવા મુજબ વડા પ્રધાન જ્હોન્સન અને તેમના પત્ની કેરી આ ‘બ્રિંગ યોર ઓન બૂઝ’ પાર્ટીમાં ઉપસ્થિત હતા. જોકે, ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા તેનું સમર્થન કે ઈનકાર કરાયો ન હતો.
નિયમભંગ થતો હોવાનું કોઈએ જણાવ્યું નહિ
બોરિસ જ્હોન્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે કે ડાઉનિંગ સ્ટ્રીટ ગાર્ડન પાર્ટીથી લોકડાઉનના નિયમોનો ભંગ થતો હોવાનું તેમને કોઈએ જણાવ્યું ન હતું. નોર્થ લંડનમાં એક હોસ્પિટલની મુલાકાત દરમિયાન તેમને કરાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે ‘મારા માનવા મુજબ પ્રથમ લોકડાઉન દરમિયાન ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટની ગાર્ડન પાર્ટી માત્ર વર્ક ઈવેન્ટ હતો. અમે જે કરી રહ્યા છીએ તે નિયમોની વિરુદ્ધ હોવાનું મને કોઈએ કહ્યું ન હતું.’ જ્હોન્સનના પૂર્વ મદદનીશ ડોમિનિક કમિંગ્સે વડા પ્રધાને પાર્લામેન્ટમાં જુઠાણું ઉચ્ચાર્યાનો આક્ષેપ કર્યાના પગલે જ્હોન્સને આ સ્પષ્ટતા કરી હતી.