લંડનઃ બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો નિર્ણય રેફરન્ડમ મારફત જાહેર કર્યા પછી ઈયુના બાકીના ૨૭ સભ્યો પણ બ્રિટન વેળાસર સંઘમાંથી બહાર જાય તે માટે ઉતાવળા થયા છે. ઈયુના છ સ્થાપક દેશોએ બ્રેક્ઝિટ પરિણામ પછી તત્કાળ બેઠક યોજી હતી, જેમાં બ્રિટને વેળાસર અલગ થવાની પ્રક્રિયા આરંભી દેવી જોઈએ તેવો સૂર વ્યક્ત કર્યો હતો. ઈયુના સભ્ય દેશોની ટુંક સમયમાં તાકીદની બેઠક મળવાની છે અને ટેક્નિકલ રીતે બ્રિટન હજુ સભ્ય હોવાં છતાં વડા પ્રધાન ડેવિડ કેમરનને આ બેઠકમાં આમંત્રિત કરાયા નથી.
કેમરને રાજીનામાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ઓક્ટોબર સુધીમાં ટોરી પાર્ટીના નવા નેતાની પસંદગી કરી દેવાશે અને તેમના દ્વારા જ આર્ટિકલ-૫૦ અન્વયે અલગ થવાની પ્રક્રિયા શરૂ કરાશે. આ સંદર્ભે સ્થાપક સભ્યોએ જણાવ્યું હતું કે ઓક્ટોબર સુધી શા માટે રાહ જોવી જોઈએ?
એક્ઝિટની વાટાઘાટો શરુ કરોઃ ઈયુ લીડરશિપ
બ્રિટને ઈયુમાંથી બહાર જવાના રેફરન્ડમના ચુકાદા પછી આર્ટિકલ-૫૦ હેઠળ વાટાઘાટો તત્કાળ શરૂ કરી દેવી જોઈએ તેવી માગણી કરતા કહ્યું છે કે આ પ્રક્રિયા ભલે દુઃખદાયી હોય તોપણ તેનાથી અનિશ્ચિતતાનો ઝડપથી અંત આવશે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્ક, યુરોપિયન પાર્લામેન્ટના પ્રમુખ માર્ટિન શુલ્ઝ, કાઉન્સિલ ઓફ ઈયુના વર્તમાન પ્રમુખ માર્ક રુટ્ટ અને યુરોપિયન કમિશનના પ્રમુખ જીન-ક્લૌડ જુન્કરે શુક્રવારે સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. નિવેદનમાં જણાવાયું હતું કે,‘આમાં કોઈ પણ વિલંબ અનિશ્ચિતતાને અનાવશ્યકપણે લંબાવે છે. આ માર્ગના વ્યવસ્થિત નિયમો અસ્તિત્વમાં છે.’
અગાઉ, ટસ્કે જણાવ્યું હતું કે, અમે ૨૭ તરીકે એકતા જાળવવા મક્કમ છીએ...આપણે યુનિયનના ભાવિ વિશે વ્યાપક ચિંતનનો સમયખંડ શરુ કરી દઈએ, તેનાથી આપણે વધુ મજબૂત બનીશું. ઈયુ નેતાઓએ કહ્યું હતું કે આ વર્ષના આરંભે ડેવિડ કેમરન દ્વારા સ્પેશિયલ સેટલમેન્ટની વાટાઘાટો કરી હતી તે હવે રદબાતલ ગણાશે અને ફરી વાટાઘાટો થશે નહિ. ઈયુ વિશ્વનું સૌથી મોટું સિંગલ બજાર છે, બ્રિટને હમણા જ તેની સાથે સંબંધો તોડ્યા છે તેનાથી વમળો સર્જાશે,પરંતુ અન્ય દેશોને આવો જોખમી માર્ગ લેવા પ્રોત્સાહન નહિ અપાય.