ગુજરાતમાં એક કહેવત છે કે 'બીડી સ્વર્ગની સડી'. સ્વર્ગ એટલે કે મોતને નોંતરવા માટે ધુમ્રપાન ખૂબ જ મહત્વનું પરિબળ સાબીત થઇ ચૂક્યું છે. પરંતુ કહેવાય છે ને કે પીવા વાળાને તો એક બહાનું જોઇતું હોય છે.
તાજેતરમાં NHS મર્સીસાઇડ ટ્રસ્ટ અને ક્લેટરબ્રિજ કેન્સર સેન્ટર દ્વારા ૨,૦૦૦ લોકોનો આ બાબતે અભ્યાસ કરાયો હતો. જેમાં ૮૦ ટકા લોકોએ જણાવ્યું હતું કે કેન્સર થતું હોય તો ભલે થાય પણ અમે ધુમપ્રાન કરવાનું બંધ કરીશું નહિં. ૫૧ ટકા લોકોએ કેન્સરની બીમારી સામે ટક્કર આપવા વજન અોછું કરવાનું મુનાસીબ માન્યું નહતું. ૬૦ ટકા લોકોએ સનબાથીંગ અને ટેનીંગ બેડ્સનો ઉપયોગ કરવાનું બંધ કરવાની ના કહી હતી. આપને પણ અનુભવ હશે કે જે લોકો ધુમ્રપાન કરતા હોય છે તેઅો મોટેભાગે તે છોડવા તત્પર હોતા નથી. અને જ્યારે તેમને સિગારેટ છોડવા વિનંતી કરો ત્યારે તેઅો હું તો બે કે ચાર સિગારેટ જ પીવું છું તેમ જણાવી છટકબારીઅો શોધે છે.
ગયા મહિને બહાર પડાયેલા ન્યુયોર્કના સ્ટોની બ્રુક યુનિવર્સિટીના સંશોધનોમાં જણાયું હતું કે ૯૦ ટકા લોકોને કેન્સર થવા પાછળ તેમની રોજબરોજની જીવનપધ્ધતિ જવાબદાર હતી.