લંડનઃ સન્ડે ટાઇમ્સ દ્વારા તૈયાર કરાયેલા બ્યુટી રિચ લિસ્ટમાં 30 ઉદ્યોગ સાહસિકોને સામેલ કરાયાં છે જેમણે સ્કીન કેર, હેર સલૂન, આઇ લેશિસ, લિપસ્ટિક અને ટેનિંગ શોપ્સ જેવા બિઝનેસ દ્વારા સંપત્તિનું સર્જન કર્યું છે. આ યાદીમાં મુખ્યત્વે યુવા અને મહત્તમ મહિલાઓ સામેલ છે. યાદીમાં 19 મહિલા અને 14 પુરુષ સામેલ છે. 14 વ્યક્તિ તો 20થી 30 વર્ષની વયના જ છે.
યાદીમાં ત્રીજા સ્થાને 58 વર્ષીય સંજય વાડેરા 245 મિલિયન પાઉન્ડનું એમ્પાયર ધરાવે છે. તેઓ પાંચ વર્ષના હતા ત્યારે યુગાન્ડાથી દેશનિકાલ કરાયેલા પરિવાર સાથે બ્રિટન આવ્યા હતા. માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં અભ્યાસ અને ટેઇલર શોપમાં કામ કર્યા બાદ તેમણે તે જ શોપમાં પરફ્યુમ અને આફ્ટર શેવનું વેચાણ શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે ધ ફ્રેગરન્સ શોપની સ્થાપના કરી હતી જે 200 સાઇટ્સ અને સ્ટોલ્સ ધરાવે છે. તેમના ગ્રુપની સંપત્તિ 200 મિલિયન પાઉન્ડ આંકવામાં આવે છે.
35 વર્ષીય વિશાલ કારિયા 114 મિલિયન પાઉન્ડની સંપત્તિ ધરાવે છે. શાળામાંથી હાંકી કઢાયેલા કારિયા એડીએચડીની બીમારી ધરાવતા હતા. પહેલા તો તેઓ લોયર બનવા માગતા હતા. પરિવારની ફાર્મા કંપની ખાતે કામ કર્યા બાદ તેમણે 2016માં નિટી ફ્રેગરન્સનો પ્રારંભ કર્યો હતો. તેમની કંપની હાઇ સ્ટ્રીટ ચેઇન અને સુપરમાર્કેટ્સને સપ્લાય કરે છે. આજે તેમને શાળામાંથી હાંકી કઢાયાનો કોઇ અફસોસ નથી. તેઓ એડીએચડીની બીમારીને તેમનો સુપર પાવર ગણાવે છે.