લંડનઃ ટાટા સ્ટીલે તેનો યુકે સ્પેશિયાલિટી સ્ટીલ બિઝનેસ ૧૦૦ મિલિયન પાઉન્ડમાં ઉદ્યોગપતિ સંજીવ ગુપ્તાના લિબર્ટી ગ્રૂપને વેચવાની સમજૂતી કરી છે, જેના પરિણામે આશરે ૧,૭૦૦ નોકરી બચી જશે. આ સોદાથી સાઉથ યોર્કશાયરની ઘણી સ્ટીલ મિલ્સ, બોલ્ટન અને ચીનમાં ચાર સર્વિસ સેન્ટરની માલિકી લિબર્ટી ગ્રૂપ હસ્તક આવશે. ટાટાએ જણાવ્યું હતું કે જર્મન હરીફ થીસ્સેનકૃપ્પ સાથે જોડાણની સંભાવના ચકાસાતી હોવાથી આ પ્રક્રિયામાં વિલંબ થયો હતો.
ટાટાના સ્પેશિયાલિટી સ્ટીલ ડિવિઝને ત્રીજા ક્વાર્ટરમાં વ્યાજ, ટેક્સ, ઘસારો ગણતરીમાં લેવાયા વિના ૭૪ મિલિયન પાઉન્ડની કમાણી કરી હતી, જે ગયા વર્ષે આ જ ગાળામાં ૯૦ મિલિયન પાઉન્ડની ખોટ હતી. ટાટા સ્ટીલ યુકેના ચીફ એક્ઝિક્યુટિવ બિમલેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે પોર્ટ ટાલ્બોટ સાઈટ સહિતના વર્કર્સના ભાવિ માટે આ વેચાણ મહત્ત્વનું કદમ છે.
લિબર્ટી ગ્રૂપના સંજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે,‘ટાટા સ્ટીલ સમગ્ર વિશ્વમાં આમારા થોડાંક કામકાજમાંનું એક છે અને મને વિશ્વાસ છે કે અમારા ગ્રૂપમાં તેનો વિકાસ થશે.’ ટાટા સ્ટીલની ખરીદ સાથે લિબર્ટી ગ્રૂપ બ્રિટનમાં પથરાયેલા પ્લાન્ટ્સમાં ૪,૦૦૦થી વધુ કામદારો સાથે યુકેમાં સૌથી મોટા સ્ટીલ અને એન્જિનીઅરિંગ એમ્પ્લોયર્સમાંનું એક બની જશે.