લંડનઃ ભારતના ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરનને યુકેના નાઇટહૂડ મોસ્ટ એક્સલન્ટ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયરથી સન્માનિત કરાયાં છે. યુકે અને ભારત વચ્ચેના વેપાર સંબંધોમાં ઉત્કૃષ્ટ સેવાઓ માટે ભારતીય બિઝનેસ લીડરને આ સન્માન અપાયું છે.
એન.ચંદ્રશેખરને આ ઉપાધિથી સન્માનિત થયા બાદ આભારની લાગણી વ્યક્ત કરતાં ભારત અને યુકે વચ્ચેના વેપાર સંબંધોને વેગ આપવા ટાટા ગ્રુપ દ્વારા લેવાઇ રહેલાં પગલાંનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ટેકનોલોજી, કન્ઝ્યુમર, હોસ્પિટાલિટી, સ્ટીલ, કેમિકલ્સ અને ઓટોમોટિવ સેક્ટરોમાં ટાટા ગ્રુપ સમગ્ર યુકેમાં મજબૂત વ્યૂહાત્મક સંબંધો જાળવી રહ્યું છે. અમને અમારી બ્રિટિશ બ્રાન્ડ્સ પર ગૌરવ છે. ટાટા ગ્રુપ બ્રિટનમાં જેગુઆર લેન્ડ રોવર, ટેટલી સહિતની બ્રાન્ડની માલિકી ધરાવે છે. ટાટા ગ્રુપ દ્વારા યુકેમાં 70,000 કરતાં વધુ લોકોને રોજગાર મળી રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, ટાટા ગ્રુપ ઓક્સફર્ડ યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, વોરવિક યુનિવર્સિટી, સ્વાન સી યુનિવર્સિટી સહિત યુકેની મહાન સંસ્થાઓ સાથે વિશ્વકક્ષાની રિસર્ચ અને એકેડેમિક ભાગીદારી ધરાવે છે.