લંડનઃ સાઉથ વેલ્સસ્થિત સૌથી મોટા પરંતુ નાણાકીય તંગીમાં ફસાયેલા પોર્ટ ટાલ્બોટ સ્ટીલ પ્લાન્ટને ઓછામાં ઓછાં ૨૦૨૦ સુધીમાં ચાલુ રાખવા ટાટા સ્ટીલ યુકે લેબર યુનિયન સાથે કરાર કરશે, તેમ એહેવાલો કહે છે. યુનિયનના નેતાઓ સમક્ષ મૂકાનારી નવી યોજનામાં સ્ટાફની શરતો પર કન્સેશન માટે સારા નફાની આશા સાથે યુકેના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટમાં નવુ રોકાણ જોવા મળશે.
યોજનામાં મુખ્ય બાબત પોર્ટ ટાલ્બોટની કાચા લોખંડની ધાતુ અને કોલસાને વાળી શકાય એવા લોખંડમાં ફેરવતી બે બ્લાસ્ટ ભઠ્ઠીને જાળવી રાખવાની છે. એક એકમ ૨૦૧૮માં બંધ થવાની તૈયારીમાં છે, પરંતુ યુનિયન તેને ચાલુ રાખવા સંઘર્ષ કરે છે. જો સ્ટાફ સાથે કરાર થાય તો ભારતીય સ્ટીલ માંધાતા ટાટા વર્ષો સુધી કામમાં લઇ શકાય તે રીતે બ્લાસ્ટ ભઠ્ઠીઓની રિલાઇનીંગને અપગ્રેડ કરવાનો પ્રયાસ કરશે. સૂત્રોએ કહ્યું હતું કે યુનિયનના નેતાઓએ ટાટા સ્ટીલના કૌશિક ચેટરજી સહિત માલિકો સાથે મંત્રણા કરી હતી.
તેઓ એક કરાર પર ચર્ચા કરશે જેમાં શોટોન, કોરબી અને લાવેર્મ સહિત સમગ્ર બ્રિટનમાં આવેલા ટાટા સ્ટીલના અન્ય પ્લાન્ટમાં પણ નવેસરથી રોકાણ કરાશે. કંપનીએ યુકેના સૌથી મોટા પ્લાન્ટની નોકરીઓને બચાવવા અને યુકેમાં સ્ટીલ ઉત્પાદનના ભાવિને સુરક્ષિત કરવા સ્ટીલ કામદારોની પગાર પેન્શન સ્કીમ પર અંકુશની માગ કરી હતી.