લંડનઃ ભારતીય જાયન્ટ ટાટા સ્ટીલ તેના બ્રિટિશ સ્ટીલવર્ક્સ માટે વાર્ષિક ૧૦૦ મિલિયન પાઉન્ડના રોકાણની યોજના કરી રહેલ છે. આ સાથે તેના પૂર્વ કોરસ સામ્રાજ્યને વેચવા માટે આઠ મહિનાથી ચાલતી કાર્યવાહીમાં અચાનક વળાંક આવ્યો છે. આ યોજનાથી મુશ્કેલીગ્રસ્ત ઈન્ડસ્ટ્રીમાં હજારો નોકરીઓ બચી જશે અને ૧૦ વર્ષ સુધી સ્ટીલવર્ક્સ સલામતી અનુભવશે. જોકે, સમગ્ર રોકાણયોજના સ્ટીલવર્કર્સની ૧૫ બિલિયન પાઉન્ડની પેન્શન યોજનાનો અંત આવે અને બ્રિટિશ કામકાજમાં ઉત્પાદકતા વધે તેના પર છે.
ટાટાના પોર્ટ ટોલ્બોટ સહિતના બ્રિટિશ સ્ટીલવર્ક્સમાં ૧૧,૦૦૦ લોકો કામ કરે છે.મહાકાય ભારતીય જૂથ જેગુઆર લેન્ડ રોવર અને ટેટલી ટી સહિતની બ્રાન્ડ્સની માલિકી ધરાવે છે. હાલમાં જ જેગુઆર દ્વારા બેટરી ફેક્ટરી અને ઈલેક્ટ્રિક કાર પ્લાન્ટ નાખવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટમાં ૧૦,૦૦૦ નોકરીઓ ઉભી થશે. ટાટાએ ૨૦૦૭માં ૬.૨ બિલિયન પાઉન્ડમાં એંગ્લો-ડચ સ્ટીલ ઉત્પાદક કોરસને ખરીદી હતી. ટાટા સ્ટીલે સસ્તા ચાઈનીઝ માલની આયાતથી થતી ભારે ખોટના કારણે બ્રિટિશ બિઝનેસ બંધ કરવા નિર્ણય લીધો હતો. જોકે, ઈયુ છોડવાના જનમત પછી પાઉન્ડનું મૂલ્ય ઘટવાથી તેના યુકે પ્લાન્ટ્સ ફરી નફો કરવા લાગ્યા છે.
ટાટા જૂથના કાર્યકારી ચેરમેન રતન ટાટાના વિશ્વાસુ લેબર ઉમરાવ લોર્ડ ભટ્ટાચાર્યે તાજેતરમાં કહ્યું હતું કે બ્રિટનમાં ઓછામાં ઓછાં ૧૦ વર્ષ કાર્યરત રહેવાય તેવી યોજના કંપની ઘડી રહી છે. નવી રોકાણ યોજનાના પરિણામે તેના યુરોપ સ્ટીલ બિઝનેસનું જર્મનીના થીસ્સેનકૃપ જૂથ સાથે મર્જરની શક્યતા વધી જશે.