લંડનઃ સ્મોલ બિઝનેસીસનો હવાલો સંભાળો મિનિસ્ટર અન્ના સોબ્રીએ ટાટા સ્ટીલનું રાષ્ટ્રીયકરણ થી શકે તેવો નિર્દેશ આપ્યો છે. મહાકાય ભારતીય કંપની દ્વારા વેચાણ માટે મૂકાયેલા યુકે પ્લાન્ટ્સ અંગે અનેક વિકલ્પો વિચારાતા હોવાથી મિનિસ્ટરે સાંસદોને જણાવ્યું હતું. મિનિસ્ટરે એવી ચેતવણી પણ આપી હતી કે ઈયુને છોડ્યા પછી સંઘર્ષરત સ્ટીલ ઉદ્યોગને વધુ નુકસાન થઈ શકે છે.
સ્ટીલ ઉદ્યોગ વિશે જોઈન્ટ સિલેક્ટ કમિટીના સાંસદો સમક્ષ મિનિસ્ટર અન્ના સોબ્રીએ કહ્યું હતું કે બ્રેક્ઝિટ નિર્ણય પછી આર્થિક અસ્થિરતાનું વાતાવરણ હોવાં છતાં ટાટા સ્ટીલ તેમના યુકે બિઝનેસ માટે ખરીદકાર શોધી કાઢશે તેની તેમને ખાતરી છે. કોઈ પણ ખરીદાર અથવા બિઝનેસમાં નોંધપાત્ર હિસ્સો લેનારને સરકાર વેપારી ધોરણે નાણા ધીરવા તૈયાર હોવાનો પુનરુચ્ચાર પણ તેમણે કર્યો હતો. સરકારે બિઝનેસમાં ૨૫ ટકાની હિસ્સેદારી સંભવિત ખરીદાર સાથે કરવાનો વિકલ્પ પણ દર્શાવેલો છે. જો ખરીદપ્રક્રિયા ભાંગી પડે તો હંગામી ધોરણે સંપૂર્ણ રાષ્ટ્રીયકરણના વિકલ્પને પણ તેમણે ફગાવ્યો ન હતો.