લંડનઃ કેમરન સરકારે જાહેરાત કરી છે કે તે ટાટા સ્ટીલ-યુકેના એકમનો ૨૫ ટકા હિસ્સો લેવા તૈયાર છે અને દેવાના જંગી બોજ તળે દટાયેલી કંપનીને બચાવવા લાખો પાઉન્ડ પણ ફાળવવા વિચારે છે. આ ઉપરાંત સરકાર કંપનીને ખરીદી લે એવા ખરીદદારને પણ શોધશે. બિઝનેસ સેક્રેટરી સાજીદ જાવિદે કહ્યું હતું કે બ્રિટન અને વેલ્શ સરકાર દ્વારા નાણાકીય પેકેજ આપવા અંગે કોઇ યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ટાટા સ્ટીલને કોઇ ખરીદી લે એ માટે પણ સરકાર સંભવિત ખરીદદારોના સંપર્કમાં છે.
'વાયેબલ સેલને ટેકો આપવા માટે સરકાર પણ કામ કરી રહી છે એ માટે અમે યોગ્ય ખરીદદારને શોધવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ' એમ વડા પ્રધાન ડેવિડ કેમરનના પ્રવકતાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું. 'જો અમે એમાં થોડોક વધારે હિસ્સો લેવા પ્રયાસ કરીશું તો ખૂબ નાનો હશે અને એનો એક માત્ર ઉદ્દેશ માત્ર એને ટેકો આપવાનો જ હશે. વેપારને લાંબા સમય સુધી ચલાવવા માટે યોગ્ય ખરીદદારને પણ સરકાર શોધી રહી છે. અમે કંપની પર કોઇ પણ રીતે નિયંત્રણ કરવા ઇચ્છતા નથી' એમ પ્રવકતાએ કહ્યું હતું.
આ પગલું બ્રિટનમાં સ્ટીલ ઉદ્યોગના રાષ્ટ્રીયકરણનો એક ભાગ છે એવા આક્ષેપોને નકારતાં તેમણે કહ્યું હતું કે મને ખાતરી નથી કે અમે રાષ્ટ્રીયકરણના વિચારને સ્વીકારીશું કે નહીં, પણ અમે વ્યાવસાયિક ધોરણે એમાં રોકાણ કરીશું. 'અમે આને રાષ્ટ્રીયકરણનો એક ભાગ માનતા નથી. વેપારમાં સરકારનું નિયંત્રણ હોય એ પણ અમે ઇચ્છતા નથી. મારા મતે રાષ્ટ્રીયકરણ યોગ્ય શબ્દ નથી' એમ તેમણે કહ્યું હતું.
લઘુત્તમ હિસ્સા ઉપરાંત બ્રિટન અને વેલ્શ સરકાર આ એકમને વધારાની ગ્રાન્ટ આપવા અંગે પણ વિચારે છે, જેમાં ઊર્જા પ્લાન્ટ માળખું ઊભું કરવાનો અને ઊર્જાક્ષમતા તેમજ પર્યાવરણની સુરક્ષા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
સ્ટાફ મેનેજમેન્ટ બાયઆઉટ માટે બિડ કરશે
ટાટા સ્ટીલના બ્રિટનના સૌથી મોટા અને ખોટ કરતા પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટને ખરીદવા માટે એમડી સ્ટુઅર્ટ વિલ્કીની આગેવાની હેઠળ કેટલાક ટોચના મેનેજર્સ સક્રિય થયા છે અને તેમણે ખાનગી રોકાણકારોની મદદ તથા સરકારી સહાય લેવા માટે યોજના ઘડી છે. ‘ગાર્ડિયન’ના અહેવાલ અનુસાર ટાટા સ્ટ્રિપ પ્રોડક્ટ્સ-યુકેના એમડી વિલ્કીને ગ્રૂપ ઓફ મેનેજર્સના લીડર બનાવાયા છે અને આ ગ્રૂપ પ્લાન્ટને બચાવવા માટે રોકાણકારો તથા સરકારી મદદ મેળવવા નજર દોડાવી રહ્યું છે. આ પ્લાન્ટમાં ૪,૦૦૦થી પણ વધુ કર્મચારી છે અને અત્યાર સુધીમાં ભારતીય મૂળના સંજીવ ગુપ્તાના લિબર્ટી હાઉસે તેને ખરીદવામાં રસ દર્શાવ્યો છે.
તેમની યોજના છે કે, પ્લાન્ટમાં પ્રત્યેક કર્મચારી અમુક નિશ્ચિત રકમનું રોકાણ કરે. તેઓ મેનેજમેન્ટ બાયઆઉટની દિશામાં વિચારી રહ્યા છે. મેનેજમેન્ટ બાયઆઉટ એટલે એવો સાદો જેમાં કંપનીની મેનેજમેન્ટ ટીમ પોતે જે બિઝનેસનું સંચાલન કરે છે તેની એસેટ અને ઓપરેશનને ખરીદી લે.
ટાટા સ્ટીલે ઇ-મેઇલ પર પ્રતિક્રિયા આપી હતી કે, કંપની કોઈ પણ સંભવિત રસ ધરાવતા રોકાણકારો કે બિડરનાં નામની જાહેરાત કરતી નથી કે પુષ્ટિ પણ આપતી નથી. નોંધનીય છે કે વિલ્કીની યોજના સાકાર કરવા માટે ૧૦ કરોડ પાઉન્ડનું રોકાણ કરવું જરૂરી છે. ટાટા સ્ટીલે તેનો લોંગ પ્રોડક્ટસ યુરોપ બિઝનેસ ગ્રેબુલ કેપિટલને વેચી દીધો છે.