લંડનઃ યુકેની સરકારે જણાવ્યું છે કે ટાટા સ્ટીલને 500 મિલિયન પાઉન્ડની સબસિડી આપવાનો નિર્ણય લેતાં નવો કરાર કર્યો છે. પોર્ટ તાલબોટ ખાતેના સ્ટીલ પ્લાન્ટમાં ટાટા સ્ટીલ દ્વારા પરંપરાગત બ્લાસ્ટ ફરનેસ હટાવીને ઇલેક્ટ્રિક ફરનેસ સ્થાપિત કરવાની યોજના માટે આ સબસિડી જાહેર કરાઇ છે. અગાઉની કન્ઝર્વેટિવ સરકારે પણ ટાટા સ્ટીલને 500 મિલિયન પાઉન્ડની સબસિડી આપવાની જાહેરાત કરી હતી.
ટાટા સ્ટીલની આ યોજનાના કારણે સપ્ટેમ્બરથી પોર્ટ તાલબોટ પ્લાન્ટ ખાતેની બંને બ્લાસ્ટ ફરનેસ બંધ કરવામાં આવી રહી છે. તેના કારણે અંદાજિત 3000 કર્મચારી નોકરી ગુમાવશે. 2500 જેટલા કર્મચારીએ નિવૃત્તિની યોજના સ્વીકારી લીધી છે અને વધુ 300 આ યોજનામાં સામેલ થાય તેવી સંભાવના છે.
કન્ઝર્વેટિવ પાર્ટીએ સરકાર પર આરોપ મૂક્યો છે કે તે નોકરીઓ બચાવવાના ખોટા આશ્વાસન આપી રહી છે. જવાબમાં બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે ટાટા સ્ટીલ દ્વારા અપાયેલું પેકેજ અપુરતું છે પરંતુ તેના કારણે કર્મચારીઓને વધુ સંરક્ષણ પ્રાપ્ત થયું છે. ટાટા સ્ટીલ દ્વારા ભવિષ્યની નોકરીઓ અને મૂડીરોકાણ માટે આશ્વાસન અપાયાં છે.