લંડનઃ એક સમયે હોમલેસ રહી ચૂકેલા 32 વર્ષીય ભારતીય મૂળના બેરિસ્ટર ટિનેસ્સા કૌરને યુકેમાં પ્રતિષ્ઠિત યંગ પ્રો-બોનો બેરિસ્ટર ઓફ ધ યર પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આ પુરસ્કાર મેળવનારા તેઓ પ્રથમ શિખ મહિલા છે. 17 વર્ષની વયે ટિનેસ્સા કૌર લેસ્ટરથી વેસ્ટ લંડનના ગ્રીન ફોર્ડમાં સ્થળાંતર કરી ગયાં હતાં. અહીં તેઓ હોમલેસ હતાં અને સ્થાનિક શિખ સમુદાયની મદદથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સગીરાવસ્થામાં કૌરે ઘણી હાડમારીનો સામનો કર્યો હતો. તેઓ 17 વર્ષના હતા ત્યારે જ તેમના પિતા પરિવાર છોડીને ચાલ્યા ગયા હતા. 2010માં તેમણે શાળાનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે તેમના પિતા જેલમાં હતા.
ગ્રેજ્યુએશન બાદ કૌરે કાયદાનો અભ્યાસ કર્યો અને 2019માં કાયદાના વ્યવસાયમાં જોડાયા હતા. 2023માં તેમને બારમાં એપ્રેન્ટિસશિપની તક મળી હતી અને 32 વર્ષની વયે તેઓ બેરિસ્ટર બન્યા હતા.
કૌર તેમનો સમય નબળા સમુદાયોના લોકોને કાયદાકીય મદદમાં વીતાવે છે. તેઓ શિખ લોયર્સ એસોસિએશનના સહસ્થાપક પણ છે.