લંડનઃ અંબરીશનો જન્મ પશ્ચિમ બંગાળના કોલકતામાં થયો છે. બાળપણ ધનબાદમાં વીત્યું છે. બિઝનેસનો આઇડિયા દિલ્હીમાં આવ્યો. અને કંપની લંડનમાં બનાવી. આજે અંબરીશ પાંચ જ વર્ષમાં ૧૦ હજાર કરોડ રૂપિયાની કંપનીનો માલિક છે. તેમની કંપનીનું નામ બ્લિપર છે અને ૧૭૦ દેશોમાં તેના ૬.૫ કરોડ યુઝર છે. અંબરીશની કહાણી પણ થોડીઘણી ‘સ્લમડોગ મિલિયોનેર’ની ફિલ્મીકહાની જેવી છે.
ખરેખર તો અંબરીશને ભણવામાં ઓછો રસ હતો. શાળામાં અભ્યાસ દરમિયાન વારંવાર નાપાસ થતા હતા. પિતાની ઇચ્છા હતી કે, દીકરો એન્જિનિયર બને, પરંતુ અંબરીશને કમ્પ્યુટર વધુ પસંદ હતું. અંતે તેમણે ઘર ત્યજી દેવાનો નિર્ણય કર્યો. પિતાના નામે પત્ર લખ્યો અને જણાવ્યું કે, ઘર છોડીને જઇ રહ્યો છું. તે સમયે તેમની વય માત્ર ૧૫ વર્ષની હતી. પિતાને લખ્યું હતું કે મુંબઇ જઇ રહ્યો છું, પરંતુ ફિલ્મી હીરો બનવા નહીં.
ઘર તો છોડ્યું, પણ માર્ગમાં તેમનો ઇરાદો બદલાયો. અંબરીશ મુંબઇને બદલે દિલ્હી જતા રહ્યા. ત્યાં એક ઝૂંપડામાં રહેવાની વ્યવસ્થા થઇ ગઇ. રૂમમાં બીજા લોકો પણ રહેતા હતા. ગુજરાન ચલાવવા માટે અંબરીશ અખબાર-મેગેઝિનો વેચતા અને રેસ્ટોરાંમાં કામ કરતા હતા. એક દિવસ અખબારમાં જાહેરાત જોઇ. તેમાં બિઝનેસ આઇડિયાની માગ કરાઇ હતી. પાંચ લાખ રૂપિયાનું ઇનામ હતું. અંબરીશે મહિલાઓને મફત ઇન્ટરનેટ આપવાનો આઇડિયા રજૂ કર્યો અને ઇનામ માટે તેમની પસંદગી થઇ ગઇ. ઇનામની આ રકમમાંથી તેમણે વુમન ઇન્ફોલાઇન શરૂ કરી. હવે ૩૭ વર્ષીય અંબરીશ કહે છે કે ત્યારે હું સારો લીડર હતો.
જોકે કંપનીને નફો નહોતો થયો. ૨૦૦૦માં કંપની છોડી દીધી. વુમન ઇન્ફોલાઇનમાં કામ કરીને જે પૈસા ભેગા કર્યા હતા તેનાથી ઇંગ્લેન્ડ જવાનો નિર્ણય કર્યો. ત્યાં ટેક્નોલોજી કંપની સ્થાપવાની ઇચ્છા હતી, પરંતુ સફળતા ન મળી. જે પૈસા ભેગા કર્યા હતા બધા ખર્ચાઇ ગયા. આ પછી એક વીમા કંપની સાથે જોડાયા. આ દરમિયાન તેમને દારૂ પીવાની લત લાગી ગઇ.
એક દિવસ લંડનના એક પબમાં દારૂ પીતા પીતા તેમના નસીબ આડેથી પાંદડું હટ્યું. મિત્ર ઉમર તૈયબ (બ્લિપરના સહસંસ્થાપક)ની સાથે પબમાં બેઠા હતા. અંતિમ પેગ માટે કાઉન્ટર પર નાણાં મૂકીને મજાકમાં બોલ્યા કે, જો નોટમાંથી એલિઝાબેથ બહાર આવી ગયા હોત તો કેટલું સારું હોત. આ મજાક બિઝનેસ આઇડિયા એક બની ગઈ. ઉમરે મારો ફોટો લીધો અને તેણે મહારાણીના ફોટા પર સુપર ઇમ્પોઝ કરી દીધો. ત્યારબાદ અમે એપને ડેવલપ કરવાનું વિચાર્યું અને આવી રીતે બ્લિપર કંપનીનો ઉદય થયો.
આજે ૧૭૦ દેશોમાં ૬.૫ કરોડ યુઝર
અંબરીશે ૨૦૧૧માં બ્લિપર કંપની લોન્ચ કરી હતી. જે પોકેમોન ગોની જેમ મોબાઇલ ફોન માટે ઓગમેન્ટેડ રિયાલિટી એપ્સ બનાવે છે. બ્લિપરના એપ પણ ખૂબ લોકપ્રિય છે. આજે કંપની ૧૨ જગ્યાએ ઓફિસ ધરાવે છે. લગભગ ૩૦૦નો સ્ટાફ છે. કંપની ૬૫૦ કરોડ રૂપિયાનું રોકાણ મેળવી ચૂકી છે. તેણે જેગુઆર, યુનિલિવર, નેસ્લે જેવી કંપનીઓ સાથે ટાઇ-અપ કર્યું છે.