ડેવનમાં રહેતા 13 વર્ષીય મેક્સ વૂસીએ ત્રણ વર્ષ સુધી ગાર્ડનમાં ઉભા કરેલા ટેન્ટમાં રહીને વ્યક્તિગત સ્તરે સૌથી વધારે ભંડોળ એકત્ર કરવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. મેક્સે કેન્સર પીડિતોની સહાય માટે 7.5 લાખ પાઉન્ડ ભેગા કર્યા છે, જે નોર્થ ડેવન હોસ્પિસને અપાયા છે. મેક્સ વૂસીનો ટેન્ટમાં વસવાટનો કિસ્સો ખાસ છે. મેક્સે કેન્સર જેવી ખતરનાક બીમારીમાં પોતાના ખાસ મિત્રને ગુમાવ્યો હતો. આ સમયે મેક્સે નક્કી કર્યું હતું કે તે કેન્સર પીડિતોના લાભાર્થે કંઇક કરશે. તેના મગજમાં વિચાર સ્ફૂર્યો અને તે ઘ૨ છોડીને ગાર્ડનમાં બનાવેલા ટેન્ટમાં રહેવા લાગ્યો. આ રીતે તેણે ત્રણ વર્ષ તંબુમાં વિતાવ્ય. મેક્સના ઘરની બહાર તંબુ જોઈને હવે લોકો તેને ‘ધ બોય ઇન ધ ટેન્ટ’ તરીકે ઓળખે છે. તેણે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પણ કેમ્પિંગ કર્યું હતું અને તત્કાલીન વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તેની સાથે કોફી પીને તેની કામગીરીને પ્રોત્સાહન આપ્યું હતું. માર્ચ 2020માં કેમ્પિંગ શરૂ કર્યું ત્યારે મેક્સ માત્ર 10 વર્ષનો હતો. કોરોના મહામારી અને ગયા વર્ષના હીટવેવમાં મેક્સે ઘણી હાડમારી ભોગવવી પડી હતી. તેણે અનેક વખત જીવજંતુ અને શિયાળના હુમલાનો પણ સામનો કર્યો છે. જોકે મેક્સ કહે છે કે હું મારા જીવનના 3 શ્રેષ્ઠ વર્ષ જીવ્યો છું. આ દરમિયાન મારી મુલાકાત અદ્દભૂત લોકો સાથે થઇ છે.