લંડનઃ ટીપુ સુલતાનના શસ્ત્રાગારની એક તલવાર બોનહામ્સ ઓક્શન હાઉસમાં 3,17,900 પાઉન્ડ (અંદાજિત રૂપિયા 3.4 કરોડ)માં નિલામ થઇ છે. આ તલવારનો ઉપયોગ ટીપુ સુલતાન દ્વારા સેરિંગપટમના યુદ્ધમાં કરાયો હોવાનું મનાય છે. 1799ના આ યુદ્ધમાં ટીપુ સુલતાનનો પરાજય થયો હતોય આ યુદ્ધમાં આપેલી સેવા માટે ઇનામ તરીકે બ્રિટિશ પરિવારના એક પૂર્વજને આ તલવાર અપાઇ હતી.
સ્ટીલ તલવાર નામે જાણીતી આ તલવાર પર મૈસોરનો હોલમાર્ક બુબરી છે અને તેના પર અરબીમાં હા શબ્દ સોના વડે લખાયો છે જે ટીપુના પિતા હૈદર અલીનો ઉલ્લેખ કરે છે.
સેરિંગપટમના યુદ્ધમાં સેવાઓ માટે કેપ્ટન જેમ્સ એન્ડ્રુ ડિકને આ તલવાર પુરસ્કાર તરીકે અપાઇ હતી. ત્યારથી આ તલવાર ડિક પરિવાર પાસે જૂન 2024 સુધી રહી હતી. ડિક સેરિંગપટમમાં 75મી હાઇલેન્ડ રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ તરીકે ફરજ બજાવતા હતા. લે. ડિક સેરિંગપટમ શહેરમાં પ્રવેશ કરનારા પ્રથમ બ્રિટિશ સેનાનીઓ પૈકીના એક હતા. યુદ્ધ બાદ તેમની રેજિમેન્ટે જ ટીપુ સુલતાનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.