સામાન્ય રીતે કેલેન્ડર વર્ષ અને નાણાકીય કે ટેક્સનું વર્ષ એકસમાન હોવાં જોઈએ તેવી દલીલમાં દમ છે અને કેટલાક દેશોમાં આમ છે પણ ખરું. જોકે, યુકેમાં તમારે નાણાકીય હિસાબો પાંચ એપ્રિલ સુધી પૂર્ણ કરી લેવાં જોઈએ કારણકે યુકેમાં ટેક્સ વર્ષ ૬ એપ્રિલથી શરૂ થાય છે. આ ચોક્કસ તારીખનું કારણ જાણવા તમારે સામંતશાહી યુગમાં પાછાં ફરવું પડશે.
ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડમાં નવા વર્ષનો આરંભ ૨૫ માર્ચથી થતો હતો, જે ‘લેડી ડે’ તરીકે પણ ઓળખાતો હતો. આ દિવસે દેવદૂત ગેબ્રિઅલે વર્જિન મેરીને જાહેર કર્યું હતું કે તે જિસસ ક્રાઈસ્ટની માતા બનશે. જૂન ૨૪નો દિવસ મિડસમર તરીકે, ૨૯ સપ્ટેમ્બરનો દિવસ માઈકલમાસ અને ૨૫ ડિસેમ્બર ક્રિસમસ ડે હતો. ધાર્મિક કેલેન્ડરમાં આ ચાર દિવસનું વિશેષ મહત્ત્વ હતું. આ કથિત ‘ત્રિમાસિક દિવસો’એ ઋણ અને ભાડાં સહિતના હિસાબોની પતાવટ કરી દેવાની થતી હતી. ‘લેડી ડે’ એટલે કે ૨૫ માર્ચ તારીખ કેલેન્ડરમાં સૌપ્રથમ આવતી હોવાથી ધીરે ધીરે નાણાકીય વર્ષના આરંભ તરીકે ગણાતી થઈ (જોકે, આનું ચોક્કસ કારણ તો હજુ રહસ્યપૂર્ણ જ છે).
કેલેન્ડરમાં અને વિવિધ વર્ષોમાં દિવસોની વાસ્તવિક સંખ્યામાં ફેરફારોના પરિણામે ૬ એપ્રિલનો દિવસ આવ્યો છે. યુરોપમાં ૧૫૮૨ સુધી તો જુલિયસ સીઝર દ્વારા સ્થાપિત જુલિયન કેલેન્ડરનો ઉપયોગ કરાતો હતો. જુલિયન કેલેન્ડર મુજબ વર્ષમાં ૧૧ મહિનાના દિવસ ૩૦ અથવા ૩૧ આવતા હતા, જ્યારે ફેબ્રુઆરી મહિનો સામાન્યપણે ૨૮ દિવસનો અને દર ચાર વર્ષે (લીપ યર) તેના ૨૯ દિવસ ગણાયા હતા. સદીઓ સુધી જુલિયન કેલેન્ડર ચાલ્યું હતું પરંતુ, સોલાર કેલેન્ડર અથવા પૃથ્વી દ્વારા સૂર્યની પ્રદક્ષિણાના સમય સાથે તે બંધબેસતું રહેતું ન હતું અને સમયાંતરે સમસ્યાઓ સર્જાઈ.
સોલાર યરની સરખામણીએ જુલિયન વર્ષ માત્ર ૧૧૧/૨(સાડા અગિયાર) મિનિટ જ લાંબુ હતું પરંતુ, વર્ષ ૧૫૦૦ના ઉત્તરાર્ધ સુધીમાં આ મિનિટોમાં ઉમેરો થતો ગયો અને જુલિયન અને સોલાર કેલેન્ડર વચ્ચે ૧૦ દિવસ જેટલો તફાવત ઉભો થયો. રોમન કેથોલિક ચર્ચને મુખ્ય સમસ્યા ઈસ્ટર તહેવારની ઉજવણીની હતી. અગાઉ જે ઉજવણી વહેલી તારીખે થતી હતી તે ધીરે ધીરે હવે મોડી થતી ગઈ.
આથી, ઓક્ટોબર ૧૫૮૨માં પોપ ગ્રેગરી ૧૩માએ આ સમસ્યા ઉકેલવા દર ૪૦૦ વર્ષે ત્રણ લીપ દિવસ ઘટાડવાનો ફેરફાર ગ્રેગોરિયન કેલેન્ડરમાં કર્યો. યુરોપે તો ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવી લીધું પરંતુ, રોમન કેથોલિક ચર્ચ સાથે સંઘર્ષનો ઈતિહાસ ધરાવતા ઈંગ્લેન્ડ (અને રશિયાએ પણ) જૂલિયન કેલેન્ડર જ ચાલુ રાખ્યું.
જોકે, ૧૭૫૨ સુધીમાં બાકીના યુરોપ સાથે ૧૧ દિવસનો તફાવત ઉભો થતાં ઈંગ્લેન્ડે પણ ફેરફાર કરવો જોઈએ તેમ સ્વીકારી લીધું. દિવસોની ઘટ પૂરવા તે વર્ષના સપ્ટેમ્બર મહિનાના ૧૧ દિવસ કાપી નાખવા નિર્ણય લેવાયો અને ૨ સપ્ટેમ્બર પછી સીધી ૧૪ સપ્ટેમ્બરની તારીખ આવી. જોકે, ટેક્સની આવકમાં ખોટ ન જાય તે માટે ટ્રેઝરીએ અંતમાં ૧૧ દિવસ વધારી ૧૭૫૨નું ટેક્સ વર્ષ લંબાવી દીધું હતું. આના પરિણામે ૧૭૫૩નું ટેક્સ વર્ષ ૫ એપ્રિલ પર લઈ જવાયું હતું.
જુલિયન અને ગ્રેગોરિયન કેલેન્ડરમાં તફાવતનો તાળો બેસાડવા ફરી એક વખત વર્ષ ૧૮૦૦માં બીજો સુધારો કરી ટેક્સ વર્ષનો આરંભ વધુ એક દિવસ લંબાવી ૬ એપ્રિલનો કરાયો હતો. જુલિયન કેલેન્ડર પ્રથા મુજબ ૧૮૦૦નું વર્ષ લીપ યર હતું પરંતુ, ગ્રેગોરિયન કેલેન્ડરમાં તે લીપ યર ન હતું. ટેક્સની એક દિવસની વધુ આવક મેળવવા વર્ષ ૧૮૦૦ને લીપ યર ગણી લેવાયું હતું. બસ, ત્યારથી ૬ એપ્રિલની તારીખ નાણા કે ટેક્સ વર્ષનો આરંભ બની રહી. જોકે, તેને વર્ષ ૧૯૦૦માં જ સત્તાવાર બનાવાઈ હતી.
યુએસ, કેનેડા, ફ્રાન્સ અને જર્મની સહિતના દેશોએ કેલેન્ડર વર્ષને જ ટેક્સ વર્ષ તરીકે અપનાવી લીધું ચે પરંતુ, યુકે તથા ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ આમ કર્યું નથી. બીજી એક વિષમતા યુકે સરકારના નાણાકીય વર્ષમાં છે, જે ૧ એપ્રિલથી બીજા વર્ષની ૩૧ માર્ચ સુધીનું ગણાય છે અને ટેક્સ વર્ષ સાથે સુસંગત નથી. કોર્પોરેશન ટેક્સ માટે પણ આ જ નાણાકીય વર્ષ છે. આમ, ટેક્સ વર્ષના આરંભ તરીકે ૬ એપ્રિલ શા માટે અપનાવાઈ તેનું કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ થતું નથી.