નવી દિલ્હીઃ યુકેના પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક ગયા સપ્તાહમાં ભારતની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે જયપુર ખાતે લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. તે ઉપરાંત રિશી સુનાક મુંબઇની મુલાકાતે પણ પહોંચ્યા હતા. સાઉથ મુંબઇ સ્થિત પારસી જિમખાનાની મુલાકાત દરમિયાન તેમણે ક્રિકેટ પર હાથ અજમાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ટેનિસ બોલ ક્રિકેટ રમ્યા વિના મુંબઇની મુલાકાત અધુરી જ રહે છે. રિશી સુનાકે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રવિવારે રમાયેલી પાંચમી ટી-20 મેચનો આનંદ પણ માણ્યો હતો. તેમણે ભારતીય ટીમને વિજય માટે અભિનંદન પાઠવ્યાં હતાં. તેમની સાથે શ્વસુર નારાયણ મૂર્તિ પણ જોડાયાં હતાં. આ પહેલાં શનિવારે રિશી સુનાકે નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ સાથે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં હાજર રહ્યાં હતાં.