લંડનઃ ટેસ્કો સ્ટોર્સમાં નાઈટસૂટ કે પાયજામાં પહેરીને આવતા ખરીદારો બાબતે ફરિયાદ કરાતા ટેસ્કોએ તેના સ્ટોર મેનેજરોને આવા ખરીદારોને બહાર ધકેલી દેવાની સૂચના આપી છે. ટેસ્કોના સ્ટોરમાં લઘરવઘર રોબ અને સ્લીપર પહેરીને આવેલી ખરીદાર વિશે એક ગ્રાહકે સોશિયલ મીડિયામાં જાહેર ઔચિત્યનો મુદ્દો ઉઠાવતા આ પાયજામા વિવાદ શરૂ થયો છે. યુકેમાં આખો દિવસ પાયજામા પહેરીને ફરવાની જાણે ફેશન થઈ પડી છે.
પ્રતિભાવમાં ટેસ્કોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારા સ્ટોર્સમાં ફોર્મલ ડ્રેસકોડ નથી અને આ મુદ્દે ગ્રાહકો સાથે વાત કરતા કોમન સેન્સ અને વિવેક જાળવવામાં આવે છે. અમારા ઘણા ગ્રાહકોએ અયોગ્ય વસ્ત્રો પહેરીને આવતા અન્ય ગ્રાહકો વિશે ફરિયાદ કરી છે. અમે બધાને ખુશ રાખવા પ્રયાસ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે ટેસ્કોની કાર્ડિફ બ્રાન્ચે ૨૦૧૦માં ગ્રાહકોની ફરિયાદ પછી પાયજામા પ્રતિબંધ લગાવ્યો હતો.
જોકે, ટેસ્કો વિવાદ પછી વેઈટ્રોસ અને આસ્ડા સહિતના સુપરમાર્કેટ્સ દ્વારા હળવું વલણ અપનાવાયું છે. વેઈટ્રોસે જણાવ્યું છે કે નાઈટવેર, પાયજામા કે ડ્રેસિંગ ગાઉનમાં પણ ખરીદી માટે આવતા ગ્રાહકોને તેઓ આવકારશે. બીજી તરફ, આસ્ડાએ જણાવ્યું છે કે ગ્રાહકો પોતાની ઈચ્છાનુસાર કશું પણ પહેરીને આવી શકે છે બસ, તેમણે કશું પહેર્યું હોવું જોઈએ. સેઈન્સબરીએ જણાવ્યું છે કે તેના સ્ટોર્સમાં ડ્રેસકોડ નથી અને પાયજામા પહેરેલા ગ્રાહકો વિશે કોઈ સમસ્યા હજુ સુધી સર્જાઈ નથી.