લંડનઃ સુપરમાર્કેટ ટેસ્કો સોમવાર, ઓગસ્ટથી તેના યુકેના સ્ટોર્સમાં પાંચ પેન્સની સિંગલ યુઝ કેરિયર બેગ્સનું વેચાણ બંધ કરશે પરંતુ, તેના બદલે ૧૦ પેન્સની કિંમતની લાંબો સમય ચાલે તેવી રિયુઝેબલ ‘બેગ્સ ફોર લાઈફ’ તેના ખરીદારોને ઓફર કરશે.
ટેસ્કોએ એબરડીન, ડંડી અને નોરવિચમાં ૧૦ સપ્તાહની ટ્રાયલ કરી હતી, જેમાં બેગ્સના વેચાણમાં ૨૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડમાં ૨૦૧૫માં કેરિયર બેગ્સનો ચાર્જ લગાવાયો તે પહેલા સાત મુખ્ય સુપરમાર્કેટ્સ દ્વારા વર્ષે સાત બિલિયનથી વધુ સિંગલ યુઝ બેગ્સનું વિતરણ કરાતું હતું. ચાર્જ લદાયા પછી ટેસ્કો દ્વારા ૧.૫ બિલિયન સિંગલ યુઝ બેગ્સનું ઓછું વેચાણ થયું હતું. આમ છતાં, તે દર વર્ષે ૭૦૦ મિલિયનથી વધુ આવી બેગ્સ વેચે છે, જે મુખ્ય સુપરમાર્કેટ્સમાં સૌથી વધુ છે.
ઈંગ્લેન્ડમાં ઓક્ટોબર ૨૦૧૫થી બેગ્સ ચાર્જ લદાયા પછી ખરીદારો દ્વારા એક વખત વપરાશની પ્લાસ્ટિક બેગ્સમાં ૮૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. દર વર્ષે આશરે આઠ ટન પ્લાસ્ટિક સમુદ્રમાં ઠલવાય છે તેના કારણે સમુદ્રી જૈવિક વાતાવરણને ભારે નુકસાન થાય છે. નિષ્ણાતોના અંદાજ અનુસાર દરિયાઈ સસ્તન પ્રાણીઓની ૩૧ પ્રજાતિ અને ૧૦૦થી વધુ સમુદ્રી પક્ષીઓની પ્રજાતિ આ પ્લાસ્ટિક ખાય છે.