લંડનઃ યુકેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં વર્ષ ૨૦૨૧માં અશ્વેત અને એશિયન વિદ્યાર્થીઓને વિક્રમી સંખ્યામાં સ્વીકારાયા છે. Ucasના આંકડા મુજબ ફ્રી સ્કૂલ મીલ્સ મેળવતા ૨૧ ટકા વિદ્યાર્થીઓને પણ ૨૦૨૧ના કોર્સીસમાં સ્થાન મળ્યું છે. તમામ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓને પ્રવેશ સાથે ઉચ્ચ શિક્ષણમાં લોકોનો રસ વધ્યો હોવાનું પણ આંકડાઓથી સ્પષ્ટ થાય છે. વર્ષ ૨૦૨૬ સુધીમાં યુનિવર્સિટીઓની ૧૦ લાખ બેઠકો માટે અરજીઓ આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે કોરાના મહામારીના કારણે ૨૦૨૧માં પરીક્ષાઓ રદ કરાઈ હતી અને શિક્ષકો દ્વારા મૂલ્યાંકનોના પગલે ઉચ્ચ એ-લેવલ્સ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ છે. અગ્રણી સંશોધન સંસ્થાઓના રસેલ ગ્રૂપમાં અશ્વેત વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૯ ટકાનો વધારો થયો છે એટલે કે ગયા વર્ષ ૨૦૨૦ના ૩,૭૭૫ વિદ્યાર્થીની સામે આ વર્ષે આશરે ૪,૫૦૦ વિદ્યાર્થીને સ્થાન મળ્યું છે.
યુકેના પરિણામોમાં વધારો તથા દેશની વસ્તીમાં ૧૮ વર્ષની વયના યુવા વર્ગની સંખ્યામાં નોંધપાત્ર વધારા સાથે સમગ્ર દેશમાં ૪૯૨,૦૦૫ વિદ્યાર્થીને વિવિધ કોર્સીસમાં પ્રવેશ મળ્યો છે. આ વયજૂથમાંથી ૩૮ ટકા વિદ્યાર્થી યુનિવર્સિટીમાં જઈ રહ્યા છે જે ૨૦૧૯ની સરખામણીએ ચાર ટકા વધુ છે.
બીજી તરફ, વધુ પ્રિવિલેજ્ડ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે. ધનવાન પશ્ચાદભૂમાં અરજદારોની સંખ્યા ૧૫ ટકા અને ગરીબ પશ્ચાદભૂના અરજદારો ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. જંગી ફી ધરાવતી યુનિવર્સિટીઓમાં શ્વેત વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨.૫ ટકાના વધારા સાથે લગભગ ૭૫,૬૦૦ના આંકડે પહોંચી છે. આવી યુનિવર્સિટીઓમાં સમગ્રતયા ૧૧ ટકાના વધારા સાથે આશરે ૧૦૩,૦૧૦ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો છે.