લંડનઃ તાજેતરમાં કેમી બેડનોક યુકેની સૌથી જૂની રાજકીય પાર્ટી કન્ઝર્વેટિવના નેતા તરીકે ચૂંટાઇ આવ્યા છે. 2029માં યોજાનારી સંસદની ચૂંટણીમાં તેઓ વડાપ્રધાનપદની દાવેદારી કરી શકે છે પરંતુ ત્યાં સુધી તેઓ બ્રિટનની સંસદમાં વિપક્ષના નેતા તરીકે કામ કરશે. કેમી બેડનોકની વિપક્ષના નેતા તરીકેની કામગીરી ભારત અને ભારતીયો પર કેવી અસર પાડશે તેની ચર્ચા ચાલી રહી છે. જમણેરી વિચારધારાને વરેલા બેડનોક ઇમિગ્રેશન, ક્લાઇમેટ વેધર અને કલ્ચર પોલિટિક્સ પર કટ્ટર વલણ અપનાવી શકે છે.
અગાઉની રિશી સુનાક સરકારમાં કેમી બેડનોક બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી હતા અને તેમના નેતૃત્વમાં જ ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર પર મંત્રણા ચાલી રહી હતી. ટોરી નેતૃત્વના પ્રચાર દરમિયાન બેડનોકે જણાવ્યું હતું કે, ભારત દ્વારા વધુ વિઝાની માગ કરાતા મેં વેપાર કરારની મંત્રણાને સ્થગિત કરી દીધી હતી. બિઝનેસ સેક્રેટરી હોવા છતાં હું ઇમિગ્રેશન મર્યાદિત કરવાના પ્રયાસ કરી હી હતી. મુક્ત વેપાર કરાર અંતર્ગત ભારત સરકાર માઇગ્રેશન વધારવા દબાણ કરી રહી હતી અને મેં ઇનકાર કરી દીધો હતો. અમે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર ન કર્યા તેમાં આ પણ એક કારણ હતું.
તાજેતરમાં જ બેડનોકે ભારતથી આવી રહેલા માઇગ્રન્ટ્સ તેમની સાથે ઘરઆંગણાની સમસ્યાઓ લઇને આવીને યુકેની સડકો પર ધમાલ મચાવતા હોવાનો આરોપ પણ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મં લોકોને ભારતમાં રહેલા સાંસ્કૃતિત મતભેદોને લેસ્ટરની સડકો પર પ્રદર્શિત કરતા જોયા છે.
આમ કેમી બેડનોક ઇમિગ્રેશન મામલે આકરું વલણ અપનાવશે તેમાં કોઇ શંકા નથી.