લંડનઃ બ્રિટનના ભારતીય મૂળના પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદની રેસમાંથી પહેલા જ રાઉન્ડમાં બહાર ફેંકાઇ ગયાં છે. પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકના અનુગામીની શોધમાં બુધવારે નેતાપદની ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં પ્રીતિ પટેલને કુલ 121માંથી ફક્ત 14 મત મળ્યાં હતાં.
ટોરી બેકબેન્ચ 1992 કમિટીના અધ્યક્ષ બોબ બ્લેકમેને વેસ્ટમિન્સ્ટરમાં પાર્લામેન્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત મીટિંગમાં પ્રથમ રાઉન્ડના પરિણામની જાહેરાત કરી હતી. જેમાં પૂર્વ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિક 28 મત સાથે પ્રથમ સ્થાને રહ્યા હતા. શેડો કોમ્યુનિટી મિનિસ્ટર કેમી બેડનોકને 22 મત પ્રાપ્ત થયાં હતાં. આગામી મંગળવારે યોજાનારા બીજા રાઉન્ડના મતદાનમાં જેમ્સ ક્લેવરલી, ટોમ તુગેન્ધાત, મેલ સ્ટ્રાઇડ પણ સ્પર્ધામાં હશે. આગામી સપ્તાહમાં યોજાનારા બીજા રાઉન્ડના મતદાન બાદ સપ્ટેમ્બરના અંત સુધીમાં 4 ઉમેદવાર વચ્ચે જંગ ખેલાશે. તેમાંથી પસંદ થનારા બે ઉમેદવાર અંતિમ લડાઇ લડશે.
પ્રથમ રાઉન્ડનું પરિણામ
રોબર્ટ જેનરિક – 28 મત
કેમી બેડનોક – 22 મત
જેમ્સ ક્લેવરલી – 21 મત
ટોમ તુગેન્ધાત – 17 મત
મેલ સ્ટ્રાઇડ – 16 મત
પ્રીતિ પટેલ – 14 મત