લંડનઃ ટોરી લીડરશિપની ચૂંટણી પ્રક્રિયામાં ગયા મંગળવારે યોજાયેલા મતદાનમાં ફ્રન્ટ રનર તરીકે ઉભરી આવેલા પૂર્વ હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલી બુધવારે આયોજિત મતદાનના નવા રાઉન્ડમાં આઘાતજનક રીતે બહાર ફેંકાઇ ગયા હતા.
બુધવારે યોજાયેલા મતદાનમાં કેમી બેડનોક સૌથી વધુ 42 કન્ઝર્વેટિવ સાંસદના સમર્થન સાથે ટોચના સ્થાને રહ્યાં હતાં જ્યારે પૂર્વ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકને 41 મત પ્રાપ્ત થયાં હતાં. ત્રીજા સ્થાને આવેલા જેમ્સ ક્લેવરલીને 37 મત હાંસલ થયાં હતાં.
મંગળવારે યોજાયેલા ત્રીજા રાઉન્ડના મતદાનમાં જેમ્સ ક્લેવરલીને 39 મત મળ્યાં હતાં આમ બુધવારના રાઉન્ડમાં તેમણે બે સાંસદનું સમર્થન ગુમાવ્યું હતું. મંગળવારે આ રેસમાંથી ટોમ તુગેન્ધાત બહાર થઇ ગયાં હતાં.
ચોંકાવનારા પરિણામ બાદ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, મને સમર્થન આપનારા સાંસદોનો હું આભારી છું. પાર્ટીના સાથીઓ, કાર્યકરો અને જનતાએ મને ઘણું સમર્થન આપ્યું હતું. જોકે દુઃખની વાત એ છે કે હું આ રેસમાં આગળ વધી શક્યો નથી. આપણે બધા કન્ઝર્વેટિવ છીએ અને લેબર સરકાર સામે લડવા એકજૂથ થવું આપણા માટે અત્યંત મહત્વનું છે.
આમ હવે ટોરી લીડરશિપની રેસમાં છેલ્લા બે ઉમેદવાર કેમી બેડનોક અને રોબર્ટ જેનરિક રહી ગયાં છે. હવે ફાઇનલ રાઉન્ડમાં સમગ્ર યુકેના કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો નેતાની પસંદગી માટે મતદાન કરશે અને બીજી નવેમ્બરે પરિણામની જાહેરાત કરાશે.