લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીમાં રિશી સુનાકના અનુગામીની શોધ માટેની સ્પર્ધામાં પ્રીતિ પટેલ બાદ હવે પૂર્વ વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી મેલ સ્ટ્રાઇડ પરાસ્ત થયા છે. ટોરી નેતાની પસંદગી માટે બીજીવાર સાંસદોના મતદાનમાં રોબર્ટ જેનરિકને સૌથી વધુ મત હાંસલ થયાં હતાં. હવે આ રેસમાં રોબર્ટ જેનરિક ઉપરાંત કેમી બેડનોક, જેમ્સ ક્લેવરલી અને ટોમ તુગેન્ધાત રહી ગયાં છે. ઓક્ટોબરના પ્રારંભમાં કન્ઝર્વેટિવ કોન્ફરન્સ ખાતે આ ચારેય ઉમેદવાર પાર્ટીના કાર્યકરો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરશે. રિશી સુનાકના વફાદાર ગણાતા મેલ સ્ટ્રાઇડને 16 મત મળ્યાં હતાં.
ટોરી નેતૃત્વ માટેના બીજા રાઉન્ડના મતદાનમાં 119 સાંસદોએ મતદાન કર્યું હતું અને એકપણ મત રદ થયો નહોતો. બર્મિંગહામની કોન્ફરન્સ બાદ ઓક્ટોબરમાં મતદાનના વધુ રાઉન્ડ યોજાશે અને અંતિમ બે ઉમેદવારની પસંદગી કરાશે. નવેમ્બરના પ્રારંભે અંતિમ મતદાન યોજાશે.
પ્રીતિ પટેલ રિફોર્મ યુકેમાં સામેલ થશે?
કન્ઝર્વેટિવ નેતૃત્વની રેસમાંથી બહાર ફેંકાઇ ગયેલા પ્રીતિ પટેલ રિફોર્મ યુકેમાં સામેલ થશે? હાલ રાજકીય વર્તૃળોમાં આ સવાલ સર્ચાઇ રહ્યો છે. વિલિયમ હિલના પ્રવક્તા લી ફેલ્પ્સે પ્રીતિ પટેલના રિફોર્મ યુકેમાં જોડાવાની સંભાવનાઓ પર જણાવ્યું હતું કે, ટોરી નેતૃત્વનું પ્રીતિ પટેલનું અભિયાન લાંબુ ચાલ્યું નથી તેથી અમને લાગે છે કે તેઓ રિફોર્મ યુકેમાં સામેલ થઇ શકે છે. રિફોર્મ યુકેમાં નાઇજલ ફરાજ બાદ નેતા બનવાની સૌથી વધુ સંભાવના પ્રીતિ પટેલ માટે છે. સટ્ટાબજારમાં તેમના માટે 5/1 નો ભાવ ચાલી રહ્યો છે. જ્યારે સુએલા બ્રેવરમેન માટે 3/1 નો ભાવ છે.