લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે જાહેરાત કરી છે કે જો આગામી સંસદની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી ચૂંટાઇ આવશે તો 18 વર્ષ કે તેથી ઉપરના તમામ નાગરિકોએ ફરજિયાત નેશનલ સર્વિસમાં જોડાવું પડશે. સુનાકે જણાવ્યું હતું કે, યુકેમાં મળવી જોઇએ તે તકોથી વંચિત યુવાઓની આખી પેઢી છે. આ પગલાંથી સતત અનિશ્ચિત બની રહેલા વિશ્વમાં સમાજને એકજૂથ કરવામાં મદદ મળી રહેશે.
વડાપ્રધાન સુનાકની યોજના અનુસાર યુવાઓને 12 મહિના માટે સેનામાં ફૂલ ટાઇમ સેવા અથવા તો એક વર્ષ માટે કોમ્યુનિટીમાં મહિનામાં એકવાર સપ્તાહાંતમાં સ્વૈચ્છિક સેવાઓમાંથી એકની પસંદગી કરવાની રહેશે. જે યુવાઓ આ ફરજિયાત નેશનલ સર્વિસમાં હિસ્સો નહીં લે તેમના પર પ્રતિબંધો પણ લાદવામાં આવશે. પ્રસ્તાવિત નેશનલ સર્વિસમાં સેના અથવા સાયબર સિક્યુરિટી ટ્રેનિંગમાં 30,000 ફૂલ ટાઇમ જોબ રખાશે. વીકએન્ડમાં સ્વૈચ્છિક સેવા કરનારા યુવાઓએ ફાયર બ્રિગેડ, પોલીસ, એનએચએસ અથવા ચેરિટીઓમાં કામ કરવું પડશે.
યુકેમાં 1947થી 1960 વચ્ચે નેશનલ સર્વિસ અમલમાં હતી જેમાં 17થી 21 વર્ષના યુવાઓએ 18 મહિના સેનામાં ફરજિયાત કામ કરવાનું રહેતું હતું. બ્રિટિશ સેનામાં હાલ સૈનિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2010માં બ્રિટિશ સેનામાં કુલ કર્મચારીઓની સંખ્યા 1 લાખ હતી જે જાન્યુઆરી 2024માં ઘટીને 73,000 પર આવી ગઇ હતી.
કન્ઝર્વેટિવ પાર્ટીએ જણાવ્યું હતું કે, સેનામાં જોડાનારા યુવાઓને લોજિસ્ટિક્સ, સાયબર સિક્યુરિટી, પ્રોક્યોરમેન્ટ અથવા સિવિલ રિસ્પોન્સ ઓપરેશનોની તાલીમ અપાશે. આ યોજના પાછળ સરકારને પ્રતિ વર્ષ 2.5 બિલિયન પાઉન્ડનો ખર્ચ થશે. નેશનલ સર્વિસ પ્રોગ્રામ તૈયાર કરવા માટે મિલિટરી અને સિવિલ સોસાયટીના નિષ્ણાતોના બનેલા એક રોયલ કમિશનની રચના કરાશે. પ્રથમ પાયલોટ પ્રોગ્રામ સપ્ટેમ્બર 2025થી શરૂ કરાશે. તે પહેલાં કન્ઝર્વેટિવ સરકાર નેશનલ સર્વિસ એક્ટ ઘડશે જેથી નેશનલ સર્વિસને ફરજિયાત કરી શકાય.