મધ્ય લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે 27 ઓક્ટોબર રવિવારના રોજ હજારો ભારતીયોની હાજરી મધ્યે દિવાળીની ભવ્ય ઉજવણી કરાઇ હતી. સંસ્કૃતિ. એકતા, આશા અને રંગોથી છવાયેલી આ ઉજવણીમાં સ્થાનિકો સહિત પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં જોડાયાં હતાં. સેંકડો નૃત્યકારોએ ઇવેન્ટને ચાર ચાંદ લગાવી દીધાં હતાં. ઇવેન્ટમાં સંગીત અને કોમેડીના કાર્યક્રમો, યોગના સેશનનો પણ સમાવેશ કરાયો હતો. ઇવેન્ટનું આયોજન લંડનના મેયર સાદિક ખાનના સહકારમાં દિવાલી ઇન લંડન કમિટી દ્વારા કરાયું હતું.
આ પ્રસંગે મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે, હજારો લંડનવાસીઓ અને મુલાકાતીઓ સાથે પ્રકાશના અદ્દભૂત પર્વની ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે ઉજવણી કરતાં ઘણો હર્ષ થાય છે. અદ્દભૂત વાતાવરણ મધ્યે પ્રભાવિત કરનારા કાર્યક્રમો અને સ્વાદિષ્ટ વાનગીઓની ભરમારથી આપણી મહેમાનગતિ કરાઇ છે. ભારતની બહાર દિવાળીની સૌથી મોટી ઉજવણી કરવાનું આપણા મહાન શહેરને બહુમાન પ્રાપ્ત થયું તેનું મને ગૌરવ છે. દર વર્ષે દિવાળીની ઉજવણી કરો પરંતુ સાથે સાથે આ મહાન શહેરમાં તમારા યોગદાનને પણ મહત્વ આપો. દેશ અને વિશ્વમાં મતભેદો હશે પરંતુ દિવાળીનું મહત્વ સમજો. વૈવિધ્યતાનું મહત્વ સમજો. લંડનના આનંદની ઉજવણી કરો.
તેમણે જણાવ્યું હતું કે, લંડનને વિશ્વનું મહાનતમ શહેર બનાવવામાં લંડનના હિન્દુ, શિખ અને જૈન રહેવાસીઓએ આપેલા યોગદાનની હું કદર કરું છું. મારા પરિવાર વતી હું તમારા પરિવારોને શુભ દિવાળીની શુભેચ્છા પાઠવું છું.
ઇવેન્ટમાં સિમરન સોલંકી સહિત 200 જેટલાં કલાકારોએ ડાન્સ સિક્વન્સ રજૂ કરી હતી. લંડનના હિન્દુ, શિખ અને જૈન સમુદાયો દ્વારા વિવિધ સંગીત અને નૃત્ય પીરસવામાં આવ્યા હતા. પપેટ શો, યોગ, મેડિટેશન અને ડાન્સ વર્કશોપ ઇવેન્ટના મુખ્ય આકર્ષણ રહ્યાં હતાં. ઇવેન્ટમાં એશિયન વોઇસ અને ગુજરાત સમાચારના પબ્લિશર અને એડિટર સી બી પટેલે પણ હાજરી આપી હતી.
ઇવેન્ટમાં અંધકાર પર પ્રકાશના વિજય અંગેની રામાયણની સંપુર્ણ ગાથા રજૂ કરાઇ હતી. મેયર સાદિક ખાન અને ઇન્ડિયન ડાયસ્પોરાના વિવિધ આગેવાનોના નેતૃત્વમાં આ ઇવેન્ટમાં તમામ વયજૂથ અને ધર્મના 35,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો.