લંડન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ પ્રિન્સ હેરીને અમેરિકામાંથી દેશનિકાલ કરવાની કોઇ યોજના ધરાવતા નથી કારણે કે બ્રિટિશ રાજવી તેમની પત્ની સાથે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. હું પ્રિન્સ હેરીને એકલા છોડી દેવા માગું છું. તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ છે. તેમની પત્ની ભયાનક છે.
અગાઉ મીડિયામાં એવા અહેવાલો ચગ્યા હતા કે ટ્રમ્પે પાંચ મહિના પહેલાં બંધ થયેલા પ્રિન્સ હેરીના વિઝા કેસને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે. જો પ્રિન્સ હેરી અમેરિકાના વિઝા મેળવવા માટે ખોટી માહિતી આપવા માટે દોષિત ઠરશે તો ટ્રમ્પ તેમને દેશનિકાલ કરી શકે છે. જો આવું થાય તો હેરી ટ્રમ્પ દ્વારા આ કાર્યકાળમાં ડિપોર્ટ કરવામાં આવનાર પ્રથમ ઈન્ડિવિડ્યુઅલ હશે. ટ્રમ્પની કડકાઈનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે કહ્યું છે કે હેરી અને તેમની પત્ની મેઘન મર્કેલને કોઈ છૂટ આપવામાં આવશે નહીં. મેઘન એક અમેરિકન નાગરિક છે.
આ મામલો 2023માં આવેલી હેરીની આત્મકથા ‘સ્પેયર’ સાથે સંબંધિત છે, જેમાં તેમણે કબૂલાત કરી હતી કે તે કિશોરાવસ્થામાં ડ્રગ્સ લેતા હતા. જોકે, હેરીએ અમેરિકાના વિઝા લેતી વખતે આ વાત છુપાવી હતી. અમેરિકામાં ડ્રગ્સ લેનાર વ્યક્તિને વિઝા જારી કરવા માટે આકરા નિયમો અમલમાં છે. અમેરિકાના વિઝા માટે પ્રિન્સ હેરીએ આ વાતનો ખુલાસો કર્યો નહોતો તેથી તેમની સામે પગલાંની લાંબાસમયથી માગ થઇ રહી છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ દિશામાં આગળ વધતાં પ્રિન્સ હેરી માટે મુશ્કેલી સર્જાઇ શકે છે.