લંડનઃ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ એમ્બેસીની નવી ઈમારતનું સત્તાવાર ઉદ્ઘાટન કરવા ફેબ્રુઆરીમાં યુકેના પ્રવાસે આવવાના હતા પરંતુ, ઈમારતનું સ્થળ અને કિંમત યોગ્ય ન હોવાનું કારણ આગળ ધરી તેમણે યુકે આવવાનો ઈનકાર કરી દીધો હતો. હવે, ઓક્ટોબર મહિનામાં સત્તાવાર સ્ટેટ વિઝિટ માટે તેઓ યુકે આવે તેવી શક્યતા છે. દાવોસ ખાતે એક અખબારી મુલાકાતમાં ટ્રમ્પે આમ જણાવ્યું હતુ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મે ૨૦૧૮માં યોજાનારા પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના લગ્નનું આમંત્રણ તેમને મળ્યું નથી.
દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ખાતે સંવાદદાતા પિયર્સ મોર્ગન સાથેનો ઈન્ટરવ્યૂ રવિવારે ITV પર રજૂ કરાયો હતો. યુકે પ્રવાસ અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે વડા પ્રધાન થેરેસા મેએ તેમને બે વખત આમંત્રણ આપ્યું છે અને તેઓ સ્ટેટ અને વર્કિંગ વિઝિટ માટે ૨૦૧૮માં યુકે આવશે. થેરેસાએ સંપૂર્ણ સ્ટેટ વિઝિટ માટે આપેલાં આમંત્રણને માન આપી ઓટમમાં પણ પ્રવાસ ખેડી શકે છે. જોકે, હજુ તારીખ નિશ્ચિત થઈ નથી. દાવોસમાં થેરેસા મે અને ટ્રમ્પની વાતચીત પછી ડાઉનિંગ સ્ટ્રીટે પણ કહ્યું છે કે યુએસ પ્રમુખના યુકે પ્રવાસની વિગતો ઘડાઈ રહી છે.
સ્ટેટ વિઝિટમાં ક્વીન સાથે બેન્ક્વેટનો સમાવેશ થાય છે. જૂન મહિનામાં વ્હાઈટ હાઉસે યુકેમાં સામૂહિક વિરોધના ભયથી સ્ટેટ વિઝિટ વિલંબમાં મૂકાયાનો ઈનકાર કર્યો હતો. આ પછી ૨૦૧૮ સુધી સ્ટેટ વિઝિટ મુલતવી રખાયાનું જણાવી વધુ ખુલાસો આપવા નકાર્યું હતું. ‘Stop Trump’ કેમ્પેઈન ગ્રૂપે સ્પષ્ટ જણાવ્યું છે કે ટ્રમ્પ યુકેની મુલાકાત લેશે ત્યારે દસ લાખથી વધુ લોકો તેમના વિરોધમાં શેરીઓમાં ઉતરી આવશે.