લંડનઃ યુકે સરકારે ૭૫ દેશોના પ્રવાસીઓ માટે કોરોના વાઈરસ ટ્રાવેલ ક્વોરેન્ટાઈન નિયમો હળવાં બનાવતા રજાઓને માણવા ઈચ્છતા બ્રિટિશરોમાં આનંદ વ્યાપ્યો છે. જોકે, સ્કોટિશ સરકારે માત્ર ૩૯ દેશને જ ક્વોરેન્ટાઈન ફ્રી એરાઈવલ માટે માન્ય રાખ્યા છે. ૭૫ સ્થળોએ રજાઓ માણવા ગયેલા પર્યટકોએ હવે બ્રિટન પાછા ફરી ૧૪ દિવસ માટે ક્વોરેન્ટાઈન થવું નહિ પડે. આ દેશોમાં સ્પેન, ફ્રાન્સ, ઈટાલી અને જર્મનીનો સમાવેશ થાય છે. સર્બિયા હાઈ-રિસ્કનો દેશ જણાતા છેલ્લી ઘડીએ યાદીમાંથી દૂર કરાયો હતો.
દરમિયાન, આ ઉનાળામાં બ્રિટિશ પર્યટકોના આગમનનો યુરોપમાં ઉત્સાહ જણાતો નથી. માત્ર ૧૧ યુરોપિયન દેશોએ ઓછામાં ઓછાં નયંત્રણો હેઠળ બ્રિટિશરોને દેશમાં પ્રવેશની પરવાનગી આપી છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને સાયપ્રસ સહિતના દેશોએ આવશ્યક કામકાજ વિના પ્રવેશ માટે બ્રિટિશરોને પ્રવેશબંધી ફરમાવી છે. બીજી તરફ, ફોરેન ઓફિસ દ્વારા ક્રૂઝ શિપ્સ મુસાફરી પર લગાવાયેલા પ્રતિબંધથી હજારો બ્રિટિશરોના પર્યટન આયોજનો ખોરવાઈ ગયા છે. હોલીડે કંપનીઓ પ્રવાસ યોજી શકતી નથી અને પેસેન્જર્સના ટ્રાવેલ ઈન્સ્યુરન્સ નકામા ગયા છે. સામાન્ય સંજોગોમાં દર વર્ષે બે મિલિયનથી વધુ બ્રિટિશ પર્યટકો ક્રૂઝ હોલીડે માણવા જતા હોય છે.
બ્રિટિશ પર્યટકો માટે ઉત્સાહનો અભાવ
મોટા ભાગના યુરોપીય દેશોમાં લોકો બ્રિટિશરોને આવકારવા રાજી જણાતા નથી. માત્ર, ડેનમાર્ક, નોર્વે અને ફિનલેન્ડ બ્રિટિશરોને આવકારવા તૈયાર છે. યુકેમાં કોરોના વાઈરસના ચેતવણીજનક દરથી સ્પેન, ફ્રાન્સ, ઈટાલી અને જર્મનીના લોકોમાં ચિંતા છે. YouGov પોલ અનુસાર સ્પેનના ૬૧ ટકા લોકોએ બ્રિટિશ પર્યટકો પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે. સ્પેનમાં ગયા મહિને પ્રવાસીઓ માટે સરહદો ખુલ્લી મૂકાયા પછી કોરોના વાઈરસ કેસીસમાં અચાનક ઉછાળો આવ્યો છે અને બે પ્રદેશોને ફરી લોકડાઉન હેઠળ મૂકવા પડ્યા છે.
બીજી તરફ, ૫૫ ટકા સ્થાનિક ફ્રેન્ચ લોકો, ૫૮ ટકા જર્મન અને ૪૪ ટકા ઈટાલિયનોએ બ્રિટિશ પર્યટકોના આગમન સામે ચિંતા દર્શાવી છે. સ્વીડનમાં લોકડાઉન લગાવાયું જ ન હોવાથી સ્વીડિશ પ્રવાસીઓનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે. યુકેના એર બ્રિજ ક્વોરેન્ટાઈન મુક્તિ સાથેના ૧૦ દેશના ૧૦૦૦ જેટલા લોકો સાથે વાતચીતના તારણો અનુસાર ચીન અને યુએસએના પ્રવાસીઓ પણ ચિંતાનું મોટું કારણ હોવા સાથે આવકારપાત્ર નથી.
જોકે, બ્રિટિશરો પણ વિદેશ પ્રવાસ કરવા હજુ ખાસ તૈયાર નથી. માત્ર ૨૧ ટકાએ આ ઉનાળામાં ફ્રાન્સ અથવા સ્પેનમાં રજા ગાળવા વિચારશે તેમ જણાવ્યું હતું. જર્મની માટે ૧૮ ટકા અને ઈટાલી માટે ૧૭ ટકાએ પસંદગી દર્શાવી હતી.