લંડનઃ આપણે કોઈ પણ ડ્રિન્કનું કેન ખરીદીએ પછી તેને બહાર લઈ જઈએ ત્યારે તેને ઠંડુ કઈ રીતે રાખવું એ સમસ્યા હોય છે. જોકે વેલ્સના 31 વર્ષના જેમ્સ વાયઝ નામના બારટેન્ડરે તેનો ઉકેલ શોધી કાઢ્યો છે. સળંગ બે વર્ષની મહેનત અને 500થી વધારે પ્રોટોટાઈપના નાના-મોટા પ્રયોગો પછી જેમ્સે દુનિયાનું પહેલું સેલ્ફ-કૂલિંગ કેન બનાવ્યું છે કે જે ફ્રીજમાં મૂક્યા વિના ડ્રિન્કને ઠંડુ રાખે છે. જેમ્સની આ સિદ્ધિના સમાચાર વહેતાં થતાં જ મોટી મોટી બ્રાન્ડને કૂલ કેનમાં રસ પડી ગયો છે. કોકા કોલા અને રેડ બુલ જેવી દિગ્ગજ બ્રાન્ડ્સ જેમ્સની પ્રોડક્ટ ખરીદવામાં રસ દાખવી રહી છે. જેમ્સે કૂલ કેન સાયન્સના બહુ સાદા નિયમનો ઉપયોગ કરીને બનાવ્યું છે. જેમ્સે કેનના તળિયે પાણી ભરવા માટેની ખાસ જગા બનાવી છે અને કેનની ચોતરફની ખાલી જગામાં મીઠાના ટુકડા મૂકી દીધા છે. સાથે જ એક બટન આપ્યું છે કે જે દબાવો એટલે મીઠું અને પાણી મિક્સ થવાથી સર્જાતાં કેમિકલ રિએક્શનના કારણે ડ્રિન્ક ઠંડું રહે છે.