લંડનઃ ડર્બીમાં કબડ્ડી ઇવેન્ટમાં થયેલી હિંસક અથડામણમાં સામેલ 7 વ્યક્તિને કુલ અંદાજિત 40 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. તેમાં હૌન્સલોના દૂધનાથ ત્રિપાઠીનો પણ સમાવેશ થાય છે જેને પાંચ વર્ષ અને 10 મહિનાની કેદ ફટકારવામાં આવી છે.
ડર્બી ક્રાઉન કોર્ટ ખાતે ચાલી ગયેલા કેસમાં જજ જોનાથાન બેનેટ્ટે અપરાધીઓને જણાવ્યું હતું કે, તેમણે સુનિયોજિત રીતે બંદૂકો, ધારિયા અને ચાકૂ વડે હુમલો કર્યો હતો. જેના કારણે ઇવેન્ટમાં આવેલા લોકોમાં નાસભાગ મચી હતી. ઇવેન્ટમાં બે વિરોધી ગેંગ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઇ હતી જેનો વીડિયો કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો.
બંને ગ્રુપ ઇવેન્ટ ખાતે બંદૂકો, છૂરા, તલવારો અને બેટ જેવા હથિયારો સાથે એકઠાં થયાં હતાં. આ અથડામણમાં બંને ગેંગના 40 જેટલા લોકો સંડોવાયેલા હતા. અડધો ડઝન જેટલી બંદૂકોમાંથી ફાયરિંગ કરાયું હતું અને 4 વ્યક્તિને ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. જોકે આ અથડામણ કયા કારણે થઇ હતી તેનું મૂળ કારણ હજુ સામે આવ્યું નથી પરંતુ એક દોષીએ જણાવ્યું હતું કે, આ ઇજ્જતનો સવાલ હતો.
અદાલતે પરમિન્દર સિંહને સાડા 6 વર્ષ, મલકિત સિંહને 3 વર્ષ, કરમજિત સિંહને સાડા 4 વર્ષ, બલજિત સિંહને 3 વર્ષ 9 મહિના, હરદેવ ઉપ્પલને 10 વર્ષ અને 10 મહિના તથા જગજિત સિંહને સાડા 4 વર્ષની કેદ ફટકારી હતી.