લંડનઃ ‘નાસા’ની તસવીરોને દર્શાવનારું આર્ટ ઇન્સ્ટોલેશન ‘મ્યુઝિયમ ઓફ ધ મૂન’ ફરી એક વખત આપણા યુકેના ડર્બી શહેરના મુખ્ય ચર્ચ ‘ડર્બી કેથેડ્રલ’માં આવી પહોંચ્યું છે. ‘મ્યુઝિયમ ઓફ ધ મૂન’ ડર્બી કેથેડ્રલના મધ્ય ભાગમાં લટકાવવામાં આવશે, જ્યાં લોકો તેને 12 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી નિહાળી શકશે. ‘મ્યુઝિયમ ઓફ ધ મૂન’ આર્ટ ઇન્સ્ટોલેશનને યુકેના કળાકાર લ્યૂક જેરમે તૈયાર કર્યું છે. આ આર્ટ ઇન્સ્ટોલેશન બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ (‘બાફ્ટા’) એવોર્ડ વિજેતા સંગીતકાર ડૈન જોન્સ દ્વારા કરાયેલી ચંદ્રની કલ્પના, ચાંદની અને સરાઉન્ડ સાઉન્ડ રચનાનું એક ફ્યુઝન છે. ડર્બીના ડીન, રેવ. ડો. પીટર રોબિન્સન કહે છે, ‘જ્યારે ‘મ્યુઝિયમ ઓફ ધ મૂન’ પહેલી વખત ડર્બી કેથેડ્રલમાં આવ્યું હતું ત્યારે તેને નિહાળવા માટે માર્કેટ પ્લેસની બરાબર કેટલાય લોકોની લાઇન લાગતી હતી. મને વિશ્વાસ છે કે ચંદ્રમાની સપાટીના સરળ આશ્ચર્યમાં ડૂબવા માટે મુલાકાતીઓને કેટલીય વખત કેથેડ્રલ આવવાનું પસંદ કરશે.’ ‘મ્યુઝિયમ ઓફ ધ મૂન’ નિહાળવા માટે કોઇ પ્રવેશ ફી રખાઇ નથી, પરંતુ વ્યક્તિદીઠ ત્રણ પાઉન્ડના ડોનેશનનો પ્રસ્તાવ મૂકાયો છે. આ નાણાં ડર્બી કેથેડ્રલની દેખભાળ અને તેને સંબંધિત કામગીરી માટે વપરાશે.