લંડનઃ આફ્રિકાના ‘સૌથી યુવાન બિલિયોનેર’ મનાતા આશિષ ઠક્કર અને પત્ની મીરા માણેકના ડાઈવોર્સ કેસમાં સંપતિની વિવાદાસ્પદ માલિકી ઠક્કર પરિવારની નહિ પરંતુ આશિષ ઠક્કરની જ હોવાનો ચુકાદો લંડન કોર્ટના જજ ફિલિપ મૂરે આપ્યો છે. મહાકાય આફ્રિકન બેન્કિંગ સંસ્થા એટલાસ મારા લિમિટેડમાં ૩૫ વર્ષીય આશિષની માતા અને બહેનની ભાગીદારી ન હોવાનું ચુકાદામાં સ્પષ્ટ કરાયું છે. ડાઈવોર્સ કેસમાં આશિષ ઠક્કરે તેમની પાસે ૪૪૫,૫૩૨ પાઉન્ડની સંપત્તિ હોવાનું જણાવ્યું હતું તેની સામે પત્નીએ દાવો કર્યો હતો તેની પાસે ઘણી સંપત્તિ છે. આ ચુકાદાથી ડાઈવોર્સ કેસમાં એલિમની મુદ્દે ભારે અસર પડી શકે છે. જજે સંપત્તિ અંગેના આશિષના દાવાને ‘હડહડતું જૂઠાણું’ ગણાવ્યો હતો. આશિષ અને મીરા ઠક્કરના પ્રવક્તાઓએ કોઈ ટીપ્પણી કરવા ઈનકાર કર્યો હતો.
આશિષ ઠક્કરે Barclays Plc ના પૂર્વ વડા બોબ ડાયમન્ડ સાથે મળી એટલાસ મારા લિમિટેડની સ્થાપના કરી હતી. જજ મૂરે ચુકાદામાં જણાવ્યું હતું કે આશિષ મારા ગ્રૂપ હોલ્ડિંગ્સ લિમિટેડ અને અન્ય કોર્પોરેટ એકમોની ૧૦૦ ટકા માલિકી ધરાવે છે. મારા ગ્રૂપ હોલ્ડિંગ્સ અને ઈન્સ્પાયર ગ્રૂપ હોલ્ડિંગ્સ લિમિટેડ પર આશિષનો કોઈ અંકુશ ન હોવાની જૂબાની આશિષ, તેના પિતા અને બહેને ત્રણ દિવસ સુધી આપી હતી પરંતુ તેઓ આ વાત જજના મનમાં ઠસાવી શક્યાં ન હતાં. ઠક્કરે દલીલ કરી હતી કે તેની કંપનીઓમાં માતા અને બહેન મુખ્ય લાભાર્થી છે. જજે આ દાવાને ‘હડહડતું જૂઠાણું’ કહી ફગાવ્યો હતો. ઠક્કર પાસે કેટલી સંપત્તિ છે તેનો નિર્ણય જજ હસ્તક હોય છે તેવા ડાઈવોર્સ કેસમાં આ ચુકાદો ભારે અસર કરશે. જજે ૧૦ ફેબ્રુઆરીએ આપેલો ચુકાદો ૨૧ ફેબ્રુઆરીએ જાહેર કરાયો હતો.
સંપત્તિની માલિકીના આ ચુકાદાએ પાંચ વર્ષથી ઓછાં ચાલેલા લગ્નમાં કાનૂની લડાઈમાં નવું પરિમાણ ઉમેર્યું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર જાહેર કરાયેલી અને નહિ જાહેર સંપત્તિના આધારે આશિષ ઠક્કર પાસે ૪૫૦ મિલિયન ડોલરની ચોખ્ખી સંપત્તિ હોઈ શકે છે. ૨૦૧૩માં ફોર્ચ્યુન મેગેઝીનમાં ‘ફોર્ટી અંડર ફોર્ટી’ લિસ્ટમાં તેની સંપત્તિ એક બિલિયન ડોલરથી વધુ અને ૧૨ આફ્રિકન દેશોમાં તેના કર્મચારીઓ ફેલાયેલા હોવાનું કહેવાયું હતું. જોકે, આશિષ ઠક્કરે કહ્યું હતું કે, તેની પાસે ૫ લાખ ડોલરની સંપત્તિ છે. ૩૩ વર્ષીય ફૂડ રાઈટર અને બ્લોગર મીરાના દાવા પ્રમાણે આશિષ બિલિયોનેર છે.
જજ મૂરે જણાવ્યું હતું કે,‘આશિષ દેખીતી રીતે જ આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. તેનામાંથી મોહકતા અને સ્ફૂર્તિ નીતરે છે. તે એન્ટ્રેપ્રીન્યોર અને લક્ષ્મીપતિ છે.મને કહેતા ખેદ થાય છે કે હું આ સમગ્ર બાબતને હડહડતો બકવાસ માનું છું. ઠક્કરના ત્રણે સાક્ષીઓએ મારી સમક્ષ વારંવાર અસત્ય ઉચ્ચાર્યું છે, જેની ગંભીર અસર બાકીની જૂબાની પર દેખાઈ છે.’
ઠક્કરની કથાઃ ‘ધ લાયન અવેક્સ’
સરમુખત્યાર ઈદી અમીનના યુગાન્ડામાં ઠક્કરની કથાનો આરંભ થયો હતો. અમીને ૧૯૭૨માં એશિયનોની હકાલપટ્ટી કરી તેમાં ઠક્કર પરિવાર પણ હતો. પરિવાર યુકે આવ્યા પછી લેસ્ટરમાં આશિષનો જન્મ થયો હતો. તેના બાળપણમાં જ ઠક્કર પરિવાર આફ્રિકા પરત થયો હતો. આ વખતે તેઓ રવાન્ડા ગયા હતા. જોકે, આશિષ ઠક્કરના ૨૦૧૫માં પ્રકાશિત આત્મકથાનક ‘The Lion Awakes: Adventures in Africa’s Economic Miracle’ અનુસાર ૧૯૯૪ના નરસંહાર દરમિયાન પરિવારે સર્વસ્વ ગુમાવી દીધું હતું.
આશિષ ઠક્કરે એટલી સફળતા મેળવી કે તેણે આફ્રિકાના ‘સૌથી યુવાન બિલિયોનેર’ તરીકે ખ્યાતિ હાંસલ કરી હતી. તેણે પોતાની ચેરિટી મારા ફાઉન્ડેશન માટે ૨૦૧૩માં યૂટ્યૂબ ચેનલ પર મૂકેલા વીડિયોમાં આ માર્ગની વાત કરી છે. પરિવાર રવાન્ડા આવ્યો તે પછી ૧૫ વર્ષની વયે આશિષે પિતાના મિત્રને લેપટોપ વેચ્યું તે સાથે ટ્રેડર બની શકે તેવો વિચાર આવ્યો હતો. તેના પિતાએ વેપાર શરુ કરવા ૫,૦૦૦ ડોલર આપ્યા હતા. સસ્તા કોમ્પ્યુટર સાધનો ખરીદવા તેણે દૂબાઈની ઉડાનો ભરવા માડી અને સેન્ટ્રલ કમ્પાલાની નાની દુકાનમાં તેનું વેચાણ કરવા માંડ્યું. તેણે દૂબાઈમાં કંપની સ્થાપી બિઝનેસને વધાર્યો હતો. આ પછી તેણે યુગાન્ડામાં પેકેજિંગ ફેક્ટરી પણ શરૂ કરી અને આફ્રિકાના નવા બજારોમાં પગપેસારો કરવા માગતી ભારતીય આઈટી સર્વિસીસ કંપની સાથે ભાગીદારી પણ કરી હતી.
એટલાસ મારાની સ્થાપના
ઠક્કર અને બોબ ડાયમન્ડની મુલાકાત મે ૨૦૧૩માં તેમના સંબંધિત ફાઉન્ડેશન્સ થકી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ કોન્ફરન્સમાં થઈ હતી, જે મૈત્રીમાં પરિણમી હતી. બંનેએ મળી સબ-સહારાન આફ્રિકામાં બેન્કોમાં હિસ્સો ખરીદવાના વિચાર સાથે બેન્કિંગ વેન્ચર શરુ કરવા નિર્ણય લીધો હતો. એટલાસ મારામાં ઠક્કર નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. બ્રિટિશ વર્જિન આઈલેન્ડ્સમાં સ્થપાયેલી કંપનીએ ૨૦૧૩થી શેર્સ ઓફર કરી ઈન્વેસ્ટરો પાસેથી લાખો ડોલર્સ એકત્ર કર્યાં હતાં. ત્રણથી વધુ વર્ષ અગાઉ જાહેર શેરવેચાણ પછી કંપનીએ તેનું ૮૦ ટકા જેટલું મૂલ્ય ગુમાવ્યું હતું. હવે ડાયમન્ડ એટલાસ મારામાં પુનઃ વિશ્વાસ સ્થાપિત કરવા માગે છે. બિઝનેસના સંભવિત વેચાણનું મૂલ્યાંકન કરવા કંપની ફાઈનાન્સિયલ એડવાઈઝર રોકવાનું આયોજન કરી રહી છે.
મીરા માણેક અને ઠક્કરના લગ્ન ૨૦૦૮માં થયા હતા. પરંતુ ૨૦૧૩માં તેઓ અલગ થયા હતા. મીરા અને આશિષ વચ્ચે છૂટાછેડાના કેસમાં સુનાવણી સ્પેસ ટિકિટ પર આવીને અટકી હતી. બન્ને વચ્ચેના વિખવાદના કેન્દ્રમાં ૧૬૦,૦૦૦ પાઉન્ડની એ ટિકિટ છે, જે બ્રિટિશ ઉદ્યોગપતિ રિચર્ડ બ્રેનસનની અવકાશ યાત્રા માટે બુક કરાવવામાં આવી છે.