લંડનઃ બ્રિટનમાં વડાપ્રધાન કેર સ્ટાર્મર દ્વારા 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યોજવામાં આવેલા દિવાળી કાર્યક્રમમાં માંસાહારી ભોજન તેમજ શરાબ પીરસવામાં આવતા કેટલાક હિન્દુ સંગઠનો ભડક્યા છે અને સરકારની આવી હરકત સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. હિન્દુ સંગઠનોએ દિવાળી જેવા તહેવારોમાં માંસાહારી ભોજન અને શરાબ પીરસવાનું ધાર્મિક દૃષ્ટિએ અયોગ્ય ગણાવ્યું છે. યુકેનાં હિન્દુ સંગઠન ઈનસાઈટ યુકે તેમજ અન્ય હિન્દુ સંગઠનોએ આ મુદ્દો સોશિયલ મીડિયામાં ઉઠાવ્યો છે અને કહ્યું છે કે દિવાળી ફક્ત તહેવાર જ નથી પણ એક ધાર્મિક પર્વ પણ છે. જેમાં શુદ્ધતા અને ભક્તિને મહત્વ આપવામાં આવે છે. આથી આ દિવસે પરંપરાગત રીતે માંસાહાર અને શરાબનો ત્યાગ કરવામાં આવે છે.
ઈનસાઈટ યુકેએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે દિવાળી એ ફક્ત આનંદ મનાવવાનો તહેવાર નથી તે ધાર્મિક રીતે પણ અધિક મહત્વ ધરાવે છે. જેમાં આવા તહેવારો વખતે ધાર્મિક પરંપરાઓનું સન્માન રાખવું જરૂરી છે. હિન્દુ સંગઠનોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું હિન્દુ કાર્યક્રમનું આયોજન કરતા પહેલા હિન્દુ ધર્મગુરુઓ અને સમુદાય સાથે વાતચીત કરવામાં આવી હતી? જેથી સાંસ્કૃતિક અને ધાર્મિક સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી શકાય. લેખક પંડિત સતીષ શર્માએ કહ્યું હતું કે આવા કાર્યક્રમમાં માંસાહાર અને શરાબ ચિંતાનો વિષય છે. જેમાં ધાર્મિક પરંપરાઓનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. જો આવું આયોજન ભૂલથી પણ થયું હોય તો નિરાશાજનક છે.
બ્રિટનનાં પીએમ કેર સ્ટાર્મર દ્વારા દિવાળી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કેટલાક હિન્દુ સંગઠનોને આમંત્રણ જ અપાયું ન હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. અગાઉ કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતા રિશી સુનાક દ્વારા તેનું આયોજન કરાયું હતું જે બ્રિટનનાં પહેલા હિન્દુ પીએમ હતા. ડાઉનિંગ સ્ટ્રીટ પર દિવાળી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા જેમાં બ્રિટનમાં વસતા ભારતીય સમુદાયનાં નેતાઓ, વેપારીઓ અને સાંસદો સામેલ થયા હતા. જેમાં પીએમ હાઉસની બહાર દીપ પ્રગટાવીને રોશની કરાઈ હતી. આ પ્રસંગે પીએમ સ્ટાર્મરે કહ્યું હતું કે અમે તમારી ધરોહર અને પરંપરાઓનું સન્માન કરીએ છીએ.