લંડનઃ યુકેની સામાન્ય વસ્તીની સરખામણીએ સાઉથ એશિયનોને ડાયાબિટીસ થવાની શક્યતા ચાર ગણી વધુ છે. ૪૦ વર્ષથી વધુ વયના પાંચ સાઉથ એશિયનમાંથી એક વ્યક્તિ ડાયાબિટીસ ધરાવે છે. ડાયાબિટીસ રોગ નથી પરંતુ, એવી સ્થિતિ છે જે સમગ્ર શરીરને અસર કરે છે અને તેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક, અંધાપા તેમજ કિડનીના રોગ થાય છે જે ડાયાલિસીસ તરફ દોરી જાય છે. સૌથી સારો અભિગમ ડાયાબિટીસ થતો અટકાવવાનો જ છે, જે તમે તંદુરસ્ત લાઈફસ્ટાઈલ અનુસરીને કરી શકો છો.
આની શરૂઆત તમને ડાયાબિટીસ થવાના જોખમો વિશે જાણકારી મેળવીને કરી શકાય છે. તમે આ માટે http://riskscore.diabetes.org.ukની મુલાકાત લઈ ડાયાબિટીસ જોખમનો સ્કોર જાણી શકો છો. તમારા પરિવારના સભ્યને ડાયાબિટીસ હોય, તમે મેદસ્વી હો તેમજ સાઉથ એશિયન હો તો તમારું જોખમ વધી જાય છે!
ડાયાબિટીસ થતો અટકાવવો હોય તો તેનો પ્રોગ્રામ ખરેખર સરળ છે, જેમાં આ બાબતોનો સમાવેશ થાય છેઃ
(૧) તમારા કમરના ઘેરાવાને વધતો અટકાવવો જોઈએ અને આ માટે સારા પ્રમાણમાં શારીરિક પ્રવૃત્તિઓ સાથે વધતા વજન પર કાબુ મેળવવો જરૂરી છે. શારીરિક સક્રિયતા અથવા પ્રવૃત્તિઓમાં સપ્તાહમાં ઓછામાં ઓછાં પાંચ વખત ૨૦થી ૩૦ મિનિટ ઝડપી ચાલવાનો સમાવેશ થાય છે. જ્યારે તમે ઝડપથી ચાલશો ત્યારે તમને ગરમી અને થોડો હાંફ અનુભવાય તેમ ચાલવું જોઈએ.
(૨) જો તમારા શરીરનું વજન થોડું પણ વધારે હોય તો પણ યોગ્ય આહારના ધોરણોને અનુસરી વજન પર નિયંત્રણ મેળવવું ઘણું સરળ બનશે. આનો અર્થ એ છે કે તમારે આહારમાં ઉમેરેલી ખાંડ, રોટી, ભાત સહિતના ખાદ્યપદાર્થ લેવામાં કાપ મૂકી કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઘટાડવું જોઈએ. સામાન્ય રીતે કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઘટાડી અને પ્રોટીન ધરાવતાં ખાદ્યપદાર્થ થોડાં વધારવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
જો મને ડાયાબિટીસ હોય તો શું કરવું? કિડનીના રોગ, હાર્ટ એટેક્સ, સ્ટ્રોક્સ અને અંધાપા સહિત ડાયાબિટીસની સમસ્યાઓ ઘટાડવાના સૌથી સારા ઉપાયો કયા છે?
તમારા ડોક્ટરની સલાહ અનુસાર દર વર્ષે ડાયાબિટીસની સારસંભાળ-કાળજી સંબંધિત તમારા પરીક્ષણો કરાવો તે અતિ મહત્ત્વનું છે. ડાયાબિટીસના નિયંત્રણ, બ્લડ પ્રેશર તેમજ કોલેસ્ટરોલનાં પ્રમાણ સંબંધિત વ્યક્તિગત લક્ષ્યાંક બનાવો તે પણ મહત્ત્વનું છે. આ ઉપરાંત, તમારી દવાની ગોળીઓ અને જરૂર હોય તો ઈન્સ્યુલિન નિયમિત લેતા રહો તે પણ મહત્ત્વનું છે અને આ માટે તમારા ફાર્માસિસ્ટ તમને મદદરુપ બની શકશે. ડાયાબિટીસની કાળજી લેવા માટે પગ (ન્યૂરોપથી) અને આંખ (રેટિનોપથી) સહિત કેટલાક મુખ્ય પરીક્ષણો તમારે કરાવી લેવાં જોઈએ. ડાયાબિટીસ ધરાવનારા માટે સારા સમાચાર એ કહી શકાય કે જો તમે ડાયાબિટીસ પર સમગ્રતયા સારો અંકુશ ધરાવતા હશો તેમજ પગ અને આંખની નિયમિત તપાસ કરાવતા હશો તો ડાયાબિટીસના કારણે કોઈ કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઓછામાં ઓછી ૫૦ ટકા ઘટી જશે.
તમારે શું યાદ રાખવું જોઈએ? સૌપ્રથમ બાબત એ છે કે ડાયાબિટીસ થતો અટકાવી શકાય છે. જો તમે ઓવરવેઈટ હો તો તમારા માટે આદર્શ કહેવાય તેવા સામાન્ય વજન સુધી વજન ઘટાડો. તમારી શારીરિક પ્રવૃત્તિઓ પૂરતી હોય તેની ચોકસાઈ રાખો. જીમમાં જઈ કસરત કરવી સારી જ છે પરંતુ, ઝડપી ચાલવાની પ્રવૃત્તિ પણ ઘણી લાભદાયક છે. તમારા ડોક્ટર સાથે તમારા ડાયાબિટીસ જોખમ બાબતે ચર્ચા કરો.
(લેખક પ્રિન્સિપાલ ક્લિનિકલ ટીચિંગ ફેલો તથા એન્ડોક્રિનોલોજી અને ડાયાબિટીસના માનદ કન્સલ્ટન્ટ છે.)