લંડનઃ નેટ ઝીરો કાર્બન ટ્રાન્ઝીશનથી વિશ્વની અડધોઅડધ ફોસિલ ફ્યૂલ સંપત્તિ ૨૦૩૬ સુધીમાં નકામી બની જશે અને વિશ્વમાં ૨૦૦૮ જેવી નાણાકીય કટોકટી સર્જશે તેવી ચેતવણી નવા અભ્યાસમાં અપાઈ છે. ડિકાર્બનાઈઝેશનથી ૧૧થી ૧૪ ટ્રિલિયન ડોલર (૮.૧૧થી ૧૦.૩ ટ્રિલિયન પાઉન્ડ)ની ફોસિુલ ફ્યૂલ સંપત્તિ માગ ઘટી જવાના કારણે નકામી બની જાય અથવા માંડવાળ કરવી પડે તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. જે દેશ ડિકાર્બનાઈઝેશનમાં ધીમાં હશે તેમને સહન કરવું પડશે પરંતુ, વહેલું કરનારા દેશો નફો રળશે.
નેચર એનર્જીમાં પ્રસિદ્ધ નવા અભ્યાસ મુજબ ૨૦૩૬ સુધીમાં ઓઈલ અને ગેસની માગમાં ભારે ઘટાડો જોવા મળશે. હાલ ૨૦૫૦ સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશન હાંસલ કરવાની પ્રતિબદ્ધતાથી વધુ સક્ષમ. સસ્તી અને સ્થિર રિન્યુએબલ એનર્જીમાં રોકાણો વધશે અને ફોસિલ ફ્યૂલ ક્ષેત્રે ભાવની અરાજકતા સર્જાશે. સાઉદી અરેબિયા સહિતના ઓપેક દેશો, કેનેડા, યુએસ, રશિયા અને બ્રાઝિલમાં ઓઈલ ઉત્પાદન મોઘું પડશે અને માગ ઘટવા સાથે નાણાકીય મુશ્કેલી સર્જાશે. આનાથી વિપરીત, ઓઈલ, ગેસ અને કોલસાના આયાતકાર દેશો ઈયુ, જાપાન, ભારત અને સાઉથ કોરિયા ફ્યૂલની ખરીદીમાં નાણા બચાવી શકશે અને તે બચતોને રિન્યુએબલ એનર્જી તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઈન્વેસ્ટ કરી વધુ નોકરીઓ સર્જવા સાથે ઊર્જા સ્વાતંત્ર્ય વધારી શકશે. રશિયા અને બ્રાઝિલ ડિકાર્બનાઈઝેશન ધીમુ રાખવાનાં મતના છે જ્યારે ફ્યૂલ આયાતકાર ઈયુ ટ્રાન્ઝીશનને વેગીલું બનાવવાનો આગ્રહ ધરાવે છે.
વિશ્વમાં સૌથી મોટા બે પ્રદુષણકાર અમેરિકા અને ચીનની હાલત જટિલ બનશે કારણકે તેમની પાસે ફોસિલ ફ્યૂલની અનામતો હોવાં સાથે રિન્યુએબલ એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયા પરના રોકાણો પણ છે. યુકેની પણ આ જ સ્થિતિ છે પરંતુ, એનર્જીના મોટા આયાતકાર તરીકે તે ફાયદામાં રહેશે.