લંડનઃ તાજેતરના મહિનાઓમાં રોયલ મેઇલ દ્વારા ફર્સ્ટ ક્લાસ પોસ્ટની ડિલિવરીમાં થતા વિલંબમાં વધારો થયો છે. રોયલ મેઇલ 80 ટકા કરતાં ઓછી ફર્સ્ટ ક્લાસ પોસ્ટ સમયસર ડિલિવર કરી શકી છે. કંપનીએ જણાવ્યું છે કે 30 જૂન સુધીના 3 મહિનામાં 79.1 ટકા ફર્સ્ટ ક્લાસ પોસ્ટ પ્રથમ કામના દિવસમાં ડિલિવર કરાઇ હતી. જેની સામે કંપનીએ આ સમયગાળમાં 94.1 ટકા સેકન્ડ ક્લાસ પોસ્ટ સમયસલર પહોંચાડી હતી. ડિલિવરીમાં થઇ રહેલા વિલંબના કારણે રોયલ મેઇલના મેનેજરો પર દબાણ વધી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નિયમો પ્રમાણે રોયલ મેઇલે 93 ટકા ફર્સ્ટ ક્લાસ પોસ્ટ પ્રથમ કામના દિવસે અને 98.5 ટકા સેકન્ડ ક્લાસ પોસ્ટ 3 દિવસમાં ડિલિવર કરવાની રહે છે. કોમ્યુનિકેશન્સ વોચડોગ ઓફકોમ દ્વારા નક્કી કરાયેલા લક્ષ્યાંક આ આંકડા પૂરા કરી રહ્યાં નથી. ઓફકોમ અનુસાર રોયલ મેઇલની કામગીરી સારી નથી.
રોયલ મેઇલે જણાવ્યું હતું કે, 93.5 ટકા ફર્સ્ટ ક્લાસ પોસ્ટ અમે બે દિવસમાં પહોંચાડી દઇએ છીએ, ઓફ કોમ દ્વારા માર્ચ 2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ડિલિવરી લક્ષ્યાંકો હાંસલ ન કરનાર રોયલ મેઇલને 5.6 મિલિયન પાઉન્ડનો દંડ કરાયો હતો.