લંડનઃ ધ ડે લૂઈ ગ્રૂપ દ્વારા કોમ્યુનિટી ફાર્મસીઝ (યુકે) હસ્તગત કરી લેવાઈ છે, જેની સાથે આ ગ્રૂપ યુકેમાં ૩૦૦ ફાર્મસીની માલિકી અને સંચાલન ધરાવતું થયું છે. કોમ્યુનિટી ફાર્મસીઝ લિમિટેડમાં મુખ્યત્વે જીપીસ સાથે પાર્ટનરશીપ ધરાવતા ૧૮ હેલ્થ સેન્ટર ફાર્મસીઝનો સમાવેશ થાય છે, જેનાથી ડે લૂઈનો પોર્ટફોલીઓ વધુ મજબૂત બન્યો છે.
ડે લૂઈના ત્રણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સમાં એક જય પટેલે જણાવ્યું હતું કે, ‘ફાર્મસી ક્ષેત્ર સામે વર્તમાન કાપના પડકાર હોવાં છતાં ડે લૂઈ આ ક્ષેત્રમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે કારણકે અમે ૪૦ વર્ષથી આ કરતા આવ્યા છીએ. અમે ફાર્મસી પ્રત્યે પ્રતિબદ્ધ છીએ અને અમારી સ્વતંત્રતા અમને લાંબું નિહાળવાની છૂટ આપે છે. કોમ્યુનિટી ફાર્મસીઝ લિમિટેડ હસ્તગત કરવા સાથે અમારો બિઝનેસ વધુ મજબૂત બન્યો છે, હેલ્થ સેન્ટર ફાર્મસીઝના અમારા પોર્ટફોલીઓમાં વૃદ્ધિ થઈ છે. ડે લૂઈ મજબૂત હોવા સાથે શક્ય તેટલી કોમ્યુનિટીઝમાં અસંખ્ય પેશન્ટ્સ સુધી પહોંચવામાં અમને મદદ મળશે. ૨૦૨૦ સુધીમાં ૪૦૦ ફાર્મસી સુધી પહોંચવાનું કીરિટભાઈનું લક્ષ્ય હાંસલ કરવાના માર્ગે તે અમને લઈ જશે.’
કોમ્યુનિટી ફાર્મસીઝ લિમિટેડના સીઈઓ અન્ડ્રયુ મરેએ જણાવ્યું હતું કે, અમારા જેવાં મૂલ્યો અને વિઝન ઉપરાંત, ભવિષ્યની સફળતાની ચોકસાઈ માટે બિઝનેસમાં રોકાણ કરી શકે તેવા કદ અને વ્યાપકતા ધરાવતાં હોય તેવા ખરીદારની અમને તલાશ હતી. ડે લૂઈ લાંબા સમયથી ઉદ્યોગમાં શ્રેષ્ઠ સ્વતંત્ર ઓપરેટર્સમાં એક તરીકે માન્ય ગણાય છે. તેઓ અમારા માટે બંધબેસતા છે અને હું તેમની સાથે કામ કરવા ઉત્સુક છું.’ સ્વર્ગસ્થ કીરિટ પટેલ MBE અને તેમના ભાઈ જે.સી. પટેલ દ્વારા ૧૯૭૫માં સ્થાપિત ડે લૂઈ ગ્રૂપ સાઉથબરોમાં એક ફાર્મસીમાંથી વિકસીને આજે યુકેમાં ૩૦૦થી વધુ ફાર્મસીનું વટવૃક્ષ બન્યું છે. કીરિટભાઈના ત્રણ સંતાનો જય, રુપા અને સામ પટેલ તેમજ તેમના ભાઈ જે.સી. પટેલના સપોર્ટ સાથેની ઉચ્ચ અનુભવી મેનેજમેન્ટ ટીમ આ ગ્રૂપને આગળ દોરી રહી છે.