લંડનઃ સેઈન્સબરી સાથે મલ્ટિપલ સોદા પછી લોઈડ્ઝફાર્મસીની ૧૪ બ્રાન્ચ અલગ અલગ વેચાણાર્થે મૂકાઈ છે ત્યારે ડે લૂઈસે તમામ બ્રાન્ચ ખરીદવામાં રસ દર્શાવ્યો છે. સરકારના કોમ્પિટિશન વોચડોગ ધ કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટી (CMA)એ સેઈન્સબરીના ફાર્મસી બિઝનેસના ટેકઓવરને મંજૂરી આપી છે, પરંતુ લોઈડ્ઝફાર્મસી દ્વારા ઈંગ્લેન્ડ અને વેલ્સના ૧૨ વિસ્તારોમાં તેની બ્રાન્ચીસના વેચાણની શરત મૂકી છે. પેરન્ટ કંપની Celesio UKએ ૧૧ ઓગસ્ટે વધારાની બે ફાર્મસી આ યાદીમાં ઉમેરાયાને સમર્થન આપ્યું છે.
ડે લૂઈસના કોમર્શિયલ ડેવલપમેન્ટના વડા ટિમ હેરિંગ્ટને ૧૯ ઓગસ્ટે C+Dને જણાવ્યું હતું કે તમામ શાખા માટે બોલીમાં ભાગ લેવો કે માત્ર થોડી શાખા ખરીદવી તેનો નિર્ણય પાછળથી લેવાશે. ડે લૂઈસે ગત થોડાં વર્ષ સમગ્ર દેશમાં તેનો પોર્ટફોલિયો વિસ્તારવામાં ગાળ્યા છે. લોઈડ્ઝફાર્મસીની વેચાણમાં મૂકાયેલી શાખાઓના ભૌગોલિક પ્રસારના કારણે અમારો હેતુ સાધવામાં મદદ મળશે. ગત વર્ષે ડે લૂઈસના સ્વર્ગસ્થ સીઈઓ કિરીટ પટેલે C+Dને જણાવ્યું હતું કે તેમની ચેઈન લોઈડ્ઝફાર્મસીની વેચાણમાં મૂકાનારી કોઈ પણ બ્રાન્ચને ખરીદવામાં ઘણો રસ ધરાવે છે.
CMA લોઈડ્ઝફાર્મસીને બ્રાન્ચીસ વેચવા ફરજ પાડી રહી છે ત્યારે, જો ડે લૂઈસ કોઈ પણ બ્રાન્ચ ખરીદશે તો તેને CMA દ્વારા મૂકાયેલી શરતોનું પાલન કરવાનું રહેશે. વેચાણમાં મૂકાયેલી લોઈડ્ઝફાર્મસી શાખાઓમાં સેન્ડી, લિવરપૂલ, બીકન્સફિલ્ડ, કેમ્પ્સટન, કિડલિંગ્ટન, ક્રાઈસ્ટચર્ચ, લૂટન, લીડ્ઝ, બ્રેકનેલ, કાર્ડિફ, વોર્લિંઘમ સહિતની શાખાઓનો સમાવેશ થાય છે.