લંડનઃ વેમ્બલી સ્ટેડિયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત સમારંભના આયોજકો UKWelcomesModiના પરફોર્મર્સ અને કળાકારોએ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરનને ડાઉનિંગ સ્ટ્રીટ જઈને ખાસ તૈયાર કરાયેલી ટિકિટ સાથે આમંત્રણ પાઠવ્યું હતું. બ્રિટિશ ઈન્ડિયન આર્ટિસ્ટ જય સીન, ભરતનાટ્યમ નૃત્યાંગના ગીતા શ્રીધર, ભાંગડા નૃત્યકાર પ્રણવ ભાનોટ, શ્રી મુક્તજીવન પાઈપ બેન્ડ બેગ પાઈપ કલાકાર પરિમલ વેકરિયા અને બ્રિટિશ રાષ્ટ્રગીત ગાયિકા પેટ્રિશિયા રોઝારિયો OBE સંપૂર્ણ વેશભૂષા સાથે કેમરનને મળવા ગયાં હતાં.
વેમ્બલી સ્ટેડિયમના સ્ટેજ પર પરફોર્મન્સમાં શ્રેષ્ઠ બ્રિટિશ અને ભારતીય કળાકારોએ ભાગ લીધો હતો. ભારત અને યુરોપના ક્લાસિકલ અને લોકનૃત્યોથી માંડી પોપ મ્યુઝિક અને સિમ્ફની ઓરકેસ્ટ્રાના કળાકારોએ પોતાની નિપૂણતા દર્શાવી હતી. ૫૫ ગાયકો, ૨૭૦થી વધુ ડાન્સર્સ, ૧૫૫થી વધુ સંગીતકારો, ૧૮૦ બાળકોના વૃંદે તેમાં ભાગ ભજવ્યો છે. રેકોર્ડ્સ આર્ટિસ્ટ સોના રેલે, લખનૌમાં જન્મેલી અને લંડનમાં રહેતી બોલિવુડની ગાયિકા કનિકા કપૂરે થીમ સોંગ- હેલો નમસ્તે ગીત ગાયું હતું.