લંડનઃ બર્મિંગહામ ખાતેના કોન્સલ જનરલ ઓફ ઈન્ડિયા ડો. અમન પૂરીની કોન્સુલ જનરલ ઓફ દુબઈ તરીકે નિમણુંક કરવામાં આવી છે. યુકેમાં તેમના કાર્યકાળ દરમિયાન ભારત અને યુકે વચ્ચે મેડીકલ અને હેલ્થકેર ક્ષેત્રે પાર્ટનરશીપ વિક્સાવવામાં તેમનું વિશેષ યોગદાન રહ્યું છે.
ઉમદા રાજદ્વારી હોવા ઉપરાંત તેઓ યુવાન, વિવેકી અને મળતાવડા સ્વભાવના છે અને લોકો સાથે ખૂબ ઝડપથી હળી મળી જાય છે. યુકેમાં પણ તેમણે તેમના આ સ્વભાવ અને દરેકને મદદરૂપ થવાના વર્તનને લીધે લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. વિશ્વભરમાં તેમનું પ્રતિનિધિત્વ શ્રેષ્ઠ રહ્યું છે અને ભારતીય વિદેશ સેવા માટે તેઓ સંપત્તિ સમાન છે.
તેમણે બર્મિંગહામમાં દિવાળીની વાર્ષિક ઉજવણીમાં પણ દર વર્ષે વેસ્ટ મીડલેન્ડ્સના મેયર સાથે મળીને મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ ઉજવણીમાં ૨૦,૦૦૦થી વધુ લોકો ભાગ લે છે. બર્મિંગહામમાં કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં ભારતના હાઈ કમિશનરના સંયુક્ત સ્વાગતના કાર્યક્રમમાં પણ તેમણે વિશેષ ભૂમિકા ભજવી હતી.
ભારત સરકારે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવની ૫૫૦મી જન્મજયંતીની મોટા પાયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી કરી હતી. બર્મિંગહામના ટાઉનહોલમાં ગુરુ નાનકને શ્રદ્ધાંજલિ અર્પવા ડો. પૂરીના નેતૃત્વ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં કોઈ ક્ષતિ રહી ન હતી. કાર્યક્રમમાં પંજાબના મુખ્ય પ્રધાન, હાઈ કમિશનર તેમજ પંજાબી લોકગાયક હંસરાજ હંસ સહિત ઘણાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઘણાં લોકો હાજર રહ્યા હતા અને સૌએ કાર્યક્રમનો આનંદ લીધો હતો.
ડો. પૂરી ભારત અને દુબઈના સંબંધોને સુદ્રઢ બનાવશે તથા ત્યાંના લોકોમાં અને ખાસ કરીને ઈન્ડિયન ડાયસ્પોરામાં ખૂબ લોકપ્રિય બનશે તેવી તેમને શુભેચ્છા.