લંડનઃ ગુજરાત સ્ટેટ કાઉન્સિલના વડા ડો. પરમ શાહને ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI UK)ના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ ડાયરેક્ટર પ્રતીક દત્તાણી નવી કામગીરી સંભાળશે. પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહના મીડિયા સલાહકાર રહેલા સંજય બારુને ફિક્કીના નવા સેક્રેટરી જનરલપદે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ પહેલી સપ્ટેમ્બરથી ડો. એ દિદાર સિંહનું સ્થાન સંભાળશે તેવી જાહેરાત ફિક્કીના પ્રેસિડેન્ટ પંકજ પટેલ દ્વારા કરવામાં આવી છે. ડો. એ દિદાર સિંહ ફિક્કી પ્રેસિડેન્ટના પ્રિન્સિપાલ એડવાઈઝરનો હોદ્દો સંભાળશે.
ડો. શાહ ૧૫થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે અમદાવાદની એચએલ. કોલેજ ઓફ કોમર્સ, એનઆર ઈન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનમેજમેન્ટ (GLS–MBA), ICFAI યુનિવર્સિટીમાં ફાઈનાન્સ અને કોર્પોરેટ લોમાં ફેકલ્ટી તેમજ સલાહકાર તરીકે સેવા આપી છે. તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ડેપ્યુટી સેક્રેટરી જનરલ પણ રહી ચુક્યા છે. તેઓ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE)ની મધ્યસ્થ પ્રાદેશિક કમિટીમાં તેમજ ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા કાઉન્સિલના ટેકાથી સ્થપાયેલી ઈન્ડિયન કેરિયર એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલના સલાહકાર બોર્ડના સભ્ય પણ છે. ભારત સરકાર દ્વારા તેમને ગુજરાતના કંડલા પોર્ટ ટ્રસ્ટના એડવાઈઝરી બોર્ડમાં તથા બોર્ડ ઓફ એપ્રેન્ટિસશિપ એન્ડ ટ્રેનિંગના બોર્ડમાં નિયુક્ત કરાયા છે.
મેનેજમેન્ટ વિષયમાં પીએચ.ડી ધરાવતા ડો. શાહે મેનેજમેન્ટ અને આર્થિક વિષયો પર ૪૦ પેપર્સ લખ્યા છે. લો એન્ડ કોમર્સમાં ગ્રેજ્યુએટ થયેલા ડો. શાહ ઈન્ટરનેશનલ માર્કેટિંગ એન્ડ કોર્પોરેટ લોઝમાં MBA ડીગ્રી તથા ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પણ ધરાવે છે.