લંડનઃ મૂળ ભારતીય ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અને જર્મનીની સૌથી મોટી બેન્ક ડોઈશે બેન્કના પૂર્વ સીઈઓ અંશુ જૈનનું કેન્સર સામે લાંબી લડત પછી 12 ઓગસ્ટની રાત્રે 59 વર્ષની વયે અવસાન થયું છે. ગ્લોબલ બેન્કિંગ વિશ્વમાં તેમણે ઈનોવેટર અને વેલ્થ ક્રીએટર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેઓ તેમની પાછળ પત્ની ગીતિકા જૈન તેમજ પુત્ર અર્જુન અને પુત્રી અરણ્યાને વિલાપ કરતા મૂકી ગયા છે.
અંશુમાન જૈનનો જન્મ ભારતના જયપુરના મધ્યમવર્ગી પરિવારમાં જાન્યુઆરી 1963માં થયો હતો. તેમણે 1983માં દિલ્હી યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું અને યુનિવર્સિટી ઓફ માસાચ્યુસેટ્સ-એમહર્સ્ટમાંથી MBA ની ડીગ્રી મેળવી હતી. અંશુ જૈન ક્રિકેટની રમતના પ્રેમી હતા અને તેમણે ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં 15 ટકાનો હિસ્સો મેળવ્યો હતો.
અંશુ જૈને મેરિલ લિન્ચ સહિત અનેક ફાઈનાન્સિયલ ફર્મ્સમાં કામ કર્યું હતું અને 1995માં ડોઈશે બેન્કમાં જોડાયા હતા. સતત સફળતા પ્રાપ્ત કરવા સાથે તેમણે 2012થી 2015ના ગાળામાં ડોઈશે બેન્કના co-CEO તરીકે કામગીરી બજાવી હતી. ડોઈશે બેન્કને સતાવતા નિયમનકારી મુદ્દાઓના કારણે અંશુ જૈને તેમનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થાય તે પહેલા જ રાજીનામું આપી દીધું હતું. તેમણે ડોઈશે બેન્કને વિશ્વના પાવરહાઉસમાં ફેરવી નાખી હતી પરંતુ, બેન્કના ફ્રેન્કફર્ટસ્થિત ટીકાકાર માંધાતાઓને રાજી કરી શક્યા ન હતા. તેમણે છેલ્લે ન્યૂ યોર્કની ફાઈનાન્સિયલ સર્વિસીસ કંપની કેન્ટોર ફિટ્ઝિરાલ્ડના પ્રેસિડેન્ટનું પદ સંભાળ્યું હતું.