લંડનઃ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જૂન મહિનાના આરંભે યુકેની ત્રણ દિવસની સંપૂર્ણ સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ત્રીજી જૂને આવશે અને છ જૂને ફ્રાન્સની મુલાકાતે જાય તેવી શક્યતા છે. ટ્રમ્પના આગમનની સત્તાવાર જાહેરાતના પગલે તેમનો જોરદાર વિરોધ કરવાની પેરવી પણ શરૂ કરાઈ છે. ટ્રમ્પ જુલાઈ ૨૦૧૮માં યુકેની ટુંકી મુલાકાતે આવ્યા હતા. ક્વીનના ૬૭ વર્ષના શાસનમાં યુએસ પ્રમુખ દ્વારા આ ત્રીજી સ્ટેટ વિઝિટ હશે. ટ્રમ્પ અગાઉ, આ સન્માન મેળવનારા તેમની અગાઉના પ્રમુખો જ્યોર્જ બુશ અને બરાક ઓબામા હતા.
બકિંગહામ પેલેસે જણાવ્યું છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પની ત્રણ દિવસની યુકે મુલાકાત ત્રીજી જૂને શરૂ થશે. આ પછી, તેઓ છઠ્ઠી જૂને ડી-ડે લેન્ડિંગની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ફ્રાન્સ જાય તેવી શક્યતા છે. ટ્રમ્પે પ્રમુખપદ સંભાળ્યું ત્યારે તેમની સાથે પ્રથમ મુલાકાતમાં વડા પ્રધાન થેરેસા મેએ સંપૂર્ણ સ્ટેટ વિઝિટનું આમંત્રણ પાઠવ્યું હતું. ટ્રમ્પ જુલાઈ ૨૦૧૮માં યુકેના ટુંકા પ્રવાસે આવ્યા ત્યારે તે સત્તાવાર વિઝિટ હોવાં છતાં સ્ટેટ વિઝિટ ન હતી.
ટ્રમ્પે ગત પ્રવાસમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયની વિન્ડસર કેસલ ખાતે મુલાકાત પણ લીધી હતી. હજારો લોકોએ ટ્રમ્પની મુલાકાતનો વિરોધ કર્યો હતો અને પાર્લામેન્ટ સ્ક્વેર ઉપર ચાર મીટર ઊંચુ બેબી ટ્રમ્પનું પૂતળું તરતું મૂકાયું હતું. આ વખતે તેઓ ચોથી જૂને લંડન આવશે ત્યારે પણ તેમનો ભારે વિરોધ કરવાની તૈયારી આરંભાઈ છે.