લંડનઃ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આગામી યુકે મુલાકાતનો ઉલ્લેખ ક્વીન્સ સ્પીચમાં કરાયો ન હોવાથી તે રદ તઈ હોવાનું કહેવાય છે. પરંપરા અનુસાર સ્પીચમાં આગામી સત્તાવાર મુલાકાતો તેમજ સરકાર દ્વારા અમલમાં મૂકાનારા કાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. ટ્રપ્મની સૂચિત મુલાકાતનો ઉલ્લેખ ન થવાથી મનાય છે કે બે વર્ષ સુધી આ મુલાકાત નહિ યોજાય. જોકે, નંબર-૧૦ના પ્રવક્તાએ પ્રમુખનો પ્રવાસ રદ કરાયાનો ઈનકાર કર્યો છે.
મહારાણીએ સ્પીચમાં જણાવ્યું હતું કે તેઓ અને પ્રિન્સ ફિલિપ જુલાઈ મહિનામાં સ્પેનના કિંગ ફેલિપ અને ક્વીન લેટિઝિઆને સત્તાવાર મુલાકાત માટે આવકારવા ઉત્સુક છે. આ ઉપરાંત, આગામી વર્ષના એપ્રિલમાં કોમનવેલ્થ સમિટની યજમાની પણ યુકે કરશે. જોકે, સત્તાવાર સ્ટેટ વિઝિટનો દરજ્જો ન હોય તેવા બ્રિટનના પ્રવાસે યુએસ પ્રમુખ આવી પણ શકે છે. બરાક ઓબામાએ તેમના કાર્યકાળમાં ચાર વખત બ્રિટનનો પ્રવાસ કર્યો હતો પરંતુ, એક જ પ્રવાસમાં ક્વીન દ્વારા યજમાની કરવામાં આવી હતી.
લંડનના મેયર સાદિક ખાને રાજધાનીમાં ત્રાસવાદના મુદ્દે ટ્રમ્પની ટીપ્પણીઓને આગળ ધરી મુલાકાતનું આમંત્રણ પાછું ખેંચવા વડા પ્રધાન થેરેસા મેને જણાવ્યું હતું. વડા પ્રધાન જાન્યુઆરીમાં યુએસ પ્રવાસે ગયાં ત્યારે તેમણે વ્હાઈટ હાઉસમાં મુલાકાત દરમિયાન પ્રમુખ ટ્રમ્પને આમંત્રણ પાઠવ્યું હતું, જેનો ભારે વિરોધ દેશમાં થયો હતો. બીજી તરફ, અહેવાલો એમ પણ કહે છે કે ટ્રમ્પે તેમનો ભારે વિરોધ નહિ થાય તેવી ખાતરી વડા પ્રધાન આપી શકે ત્યાં સુધી આમંત્રણ વિલંબિત રાખવા થેરેસા મેને જણાવ્યું છે.