સરેમાં આવેલા માર્કેટ ટાઉન ડોર્કિંગમાં ‘યુકે વાઇફ કેરિંગ રેસ’ નામે એક અનોખી દોડ યોજાય છે. 2008માં શરૂ થયેલી આ રોમાંચક રેસમાં સ્પર્ધકે પોતાના જીવનસાથીને ખભા પર ઊંચકીને દોડવાનું હોય છે. રસપ્રદ વાત એ છે કે આમાં ‘વાઈફ’ એટલે માત્ર જીવનસાથી જ નહીં પરંતુ કોઈ અન્ય પણ હોઇ શકે છે. રેસનો સૌથી મોટો પડકાર 15 મીટરના સીધા ઢોળાવનું ચઢાણ હોય છે, જે સ્પર્ધકની શક્તિ - સંતુલન - ધૈર્યની આકરી કસોટી કરે છે. સ્પર્ધા દરમિયાન સ્પર્ધક મજેદાર પોશાકો પણ પહેરી શકે છે. ગયા શનિવારે યોજાયેલી આ રેસમાં વિજેતાને બીયરનું એક બેરલ ઇનામમાં અપાયું હતું. રેસની પરંપરા વાઇકિંગ્સના સમયથી પ્રેરિત છે, જ્યારે યોદ્ધા હુમલાઓ પછી મહિલાઓને ઉઠાવીને ભાગી જતા હતા.