લંડનઃ ડ્યુક ઓફ કેમ્બ્રિજ વિલિયમ અને ડચેસ કેટ મિડલટન આગામી એપ્રિલ મહિનામાં ભારતના પ્રવાસે આવવાના છે ત્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ અને પ્રેમના પ્રતીક તાજમહેલની મુલાકાત લેશે. આ સાથે તેઓ ૨૪ વર્ષ અગાઉ તેમના માતાપિતા પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયેનાની તાજ મુલાકાતનું સ્મરણ કરાવશે. જોકે, પ્રિન્સેસ ડાયેનાની તાજ મુલાકાતથી વિપરીત વિલ્યમ-કેટની મુલાકાત તેમના જીવનને વધુ પ્રેમપ્રગાઢ બનાવશે તેવી ખાતરી છે. શાહી પરિવારના સભ્યોની સુરક્ષા વ્યવસ્થા માટે બ્રિટિશ હાઈ કમિશનની એડવાન્સ ટીમે આગ્રાની મુલાકાત લઈ અધિકારીઓ સાથે ચર્ચા કરી હોવાના પણ અહેવાલ છે. જોકે, કેન્સિંગ્ટન પેલેસના પ્રવક્તાએ અહેવાલો પર ટીપ્પણીનો ઈનકાર કર્યો છે. પ્રિન્સ અને કેટના ભારત આગમનની તારીખ જાહેર કરાઈ નથી છતાં ૧૦-૧૭ એપ્રિલ દરમિયાન ભારતીય ઉપખંડની મુલાકાતની ધારણા છે.
ડ્યુક ઓફ કેમ્બ્રિજ વિલિયમ અને ડચેસ કેટ મિડલટન પહેલી વખત જ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. તેમના સંતાનો પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ શાર્લોટ તેમની સાથે આવવાના નથી. તેમના માટે બાળકોને લીધા વિના વિદેશ જવાની આ પહેલી ઘટના નથી. તેઓ ૨૦૧૪ના અંતમાં પ્રિન્સ જ્યોર્જ વિના જ યુએસએની મુલાકાતે ગયા હતા.
વિલિયમના પિતા પ્રિન્સ ઓફ વેલ્સ અવારનવાર ભારત આવે છે અને નવેમ્બર ૨૦૧૩માં નવ દિવસ માટે ભારત આવ્યા હતા. પ્રિન્સ ચાર્લ્સ ૧૯૮૦માં એકલા ભારત આવ્યા હતા અને તાજ મહેલની સામેના પથ્થરના બાંકડે બેઠા હતા. ૧૨ વર્ષ પછી પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયેના સાથે તેઓ ભારત આવ્યા હતા, પરંતુ પ્રિન્સ ૧૨૦૦ માઈલ દૂર બેંગલોરમાં હોવાથી પ્રિન્સેસને એકલા જ આ બાંકડે બેસવું પડ્યું હતું. કેટલાક લોકોએ આ ઘટનાને દંપતીના લગ્નમાં તિરાડ પડયાના પ્રતીક તરીકે ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બરમાં યુકેના પ્રવાસમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયની મુલાકાત લીધી હતી. એક દાયકામાં ભારતીય વડા પ્રધાનની આ પ્રથમ યુકે મુલાકાત હતી. આના પગલે ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજની ભારત મુલાકાત જાહેર કરાઈ હતી.